દેશમાં અર્ધોઅર્ધ વાહનો વીમો લીધા વિના જ માર્ગો પર દોડી રહ્યા છે ત્યારે હવે સ્થળ પર જ વીમા પોલીસી આપીને નાણાંની વસુલાત ફાસ્ટેગ મારફત કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે વાહનોના વીમા લેવાનુ ચલણ ઘટતુ હોય તેમ વીમા વિનાના વાહનોની સંખ્યામાં ચિંતાજનક વધારો છે.
ભારતમાં 40થી 50 ટકા વાહનો વીમા વિનાના હોવાનો અંદાજ છે. હવે સરકાર એવો પ્રોજેકટ અમલમાં મુકવાનું વિચારે છે કે ટ્રાફિક પોલીસ-આરટીઓ અધિકારીઓનો ચેકીંગ દરમ્યાન વાહન વીમો ન હોવાનું માલુમ પડે તો સ્થળ પર જ થર્ડ પાર્ટી વીમો અપાવી દયે અને પ્રીમીયમના નાણાં વાહનના ફાસ્ટેગ ખાતામાંથી કપાઈ જાય. થર્ડ પાર્ટી વીમા પોલીસીમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિની સારવારનો ખર્ચ મળે છે.
પોલીસ તથા આરટીઓના ચેકીંગ સ્ટાફને ખાસ ઉપકરણ આપવામાં આવશે. જેમાં વાહનનો વીમો છે કે કેમ તેની માહિતી મળી જશે. વીમો ન હોય તો વિવિધ વિમા કંપનીઓની પોલીસીની વિગતો સાથે સ્થળ પર જ વીમો કરાવી દેવાશે. વાહન ચાલકો પાસેથી વીમા પ્રીમીયમના નાણાની વસુલાત ફાસ્ટેગ ખાતામાંથી કરાશે.જનરલ ઈુસ્યુરન્સ કાઉન્સીલની બેઠકમાં પણ આ મુદે ચર્ચા થઈ હતી અને વિવિધ સૂચનો-ભલામણો કરવામાં આવી હતી.