Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહવે શહેરી બેરોજગારો માટે રોજગારી યોજના

હવે શહેરી બેરોજગારો માટે રોજગારી યોજના

પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિના રિપોર્ટમાં કરવામાં આવી ભલામણ

મોંઘવારીના માર વચ્ચે બેરોજગારીના પડકારનો મુકાબલો કરવા માટે કેન્દ્ર સરકાર મહત્વાકાંક્ષી પ્રોજેકટ શરૂ કરવાની દિશામાં આગળ વધી રહી છે. બેરોજગારી ઘટાડવાની સાથોસાથ લોકો વચ્ચેની આવકનું અંતર ઘટાડવા માટે શહેરી બેકારો માટે ‘ગેરંટીડ રોજગારી’ કાર્યક્રમ શરૂ કરવા તથા યુનિવર્સલ બેઝીક આવક સ્કીમ શરૂ કરવા ભલામણ કરવામાં આવી છે.

- Advertisement -

ભારતમાં આવક-કમાણીમાં મોટો તફાવત હોવા તરફ નિર્દેશ કરીને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમીતીએ તૈયાર કરેલા રીપોર્ટમાં એવી ભલામણ કરી છે કે લોકોની ન્યુનતમ આવક વધારવાના કદમ ઉઠાવવામાં આવે. ઉપરાંત સામાજીક ક્ષેત્રમાં સરકારી ખર્ચ વધારવામાં આવે. આ રીતે ગરીબી ઓછી કરવામાં પણ મદદ મળશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શ્રમિકોમાં મોટું અંતર છે. શહેરી શ્રમિકો માટે પણ મનરેગા જેવી રોજગારની ગેરંટી આપતી સ્કીમ શરૂ કરવાની જરૂર છે. રિપોર્ટમાં એમ સૂચવાયું છે કે ન્યુનતમ કમાણીમાં વધારા તથા યુનિવર્સલ બેઝીક આવક સ્કીમ જેવા પગલાથી આવકનું અંતર ઘટાડી શકાશે. ખાસ કરીને શ્રમિક-કામદારોના મોરચે સમાન આવક વ્હેંચણી શકય બની શકશે. ગરીબી મામલે ઉહાપોહ રોકવા સામાજીક ક્ષેત્રમાં તથા સામાજીક સેવાઓમાં ખર્ચ વધારવા માટે વધુ ફાળવણી કરવી પડે. લેબર ફોર્સ સર્વેના ત્રણ રાઉન્ડના તારણોને ટાંકીને એમ કહેવામાં આવ્યું છે કે દેશની ટોચની એક ટકા વસતી 6થી7 ટકાની કમાણી આવક ધરાવે છે જયારે 10 ટકા વસતી 33 ટકા કમાણી ખેંચી લ્યે છે. બાકીની 90 ટકા વસતીના ભાગે માંડ બે તૃતીયાંશ કમાણી જ આવે છે. 2019-20થી ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન ટોચની એક ટકા ધનિકની આવક 6.14 ટકાથી વધીને 6.82 ટકા થઈ છે. અર્થાત તેઓની કમાણી સતત વધી રહી છે. વધુને વધુ ધનવાન થઈ રહ્યા છે. ટોચની 10 ટકાની વસતીની આવક-કમાણી 35.18 ટકાથી ઘટીને 32.52 ટકા થઈ છે. રિપોર્ટમાં જો કે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં કયારેય સચોટ આંકડા ઉપલબ્ધ નથી અને તેના આધારે આવક અસમાનતાનો સ્પષ્ટ અંદાજ મુકવાનો મુશ્કેલ છે. ભારતમાં છેલ્લે 2011-12માં વપરાશ-ખર્ચનો સર્વે કરાયો હતો. ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ નથી. આ આંકડા વિના ગરીબી કે ગરીબોની સંખ્યાનો અંદાજ પણ મુશ્કેલ છે. યુનિવર્સલ બેઝીક ઈન્કમના આધારે આર્થિક-આવક અસમાનતા દુર કરવાની ભલામણથી દેશમાં ચર્ચાનો નવો મુદો ઉભો થઈ શકે છે. વર્તમાન રીપોર્ટમાં ન્યુનતમ આવક- કમાણી વધારવા તથા શ્રમિક ક્ષેત્રમાં આવક વ્હેચણી સમાન બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular