સંસદથી સડક સુધી મચેલા હિજાબ વિવાદ પર મંગળવારે કર્ણાટક હાઈકોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં હિજાબ બેનને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે હિજાબ પહેરવો તે ઈસ્લામની અનિવાર્ય પ્રથાનો હિસ્સો નથી. કર્ણાટક હાઈકોર્ટમાં ઉડ્ડપીની છોકરીઓએ અરજી કરીને સ્કૂલોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગી હતી. કોર્ટે વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવતા કહ્યું કે સ્ટુડન્ટ્સ સ્કુલ ડ્રેસ પહેરવાથી ઈન્કાર ન કરી શકે.
હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ ખાજી જયબુન્નેસા મોહિઉદ્દીનની બેન્ચે 11 દિવસ સુધી આ મામલે સતત સુનાવણી કરી હતી.હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કહ્યું હતું કે ઈસ્લામમાં છોકરીઓને માથું ઢાંકીને રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવામાં શાળા અને કોલેજોમાં હિજાબ પરપ્રતિબંધ મૂકતો ડ્રેસ કોડ સંપૂર્ણપણે ખોટો છે. સરકાર વતી રાજ્યના એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવદગીએ બેન્ચ સમક્ષ આ દલીલ કરી હતી કેહિજાબ એ ઇસ્લામની ફરજિયાત ધાર્મિક પ્રથા નથી.
કર્ણાટકમાં હિજાબ વિવાદ 1 જાન્યુઆરીથી શરૂ થયો હતો. અહીં ઉડુપીમાં કોલેજમાં હિજાબ પહેરીને આવેલી 6 મુસ્લિમ વિદ્યાર્થિનીઓ ક્લાસમાં બેસવા દેવાઈ ન હતી. કોલેજ મેનેજમેન્ટે નવી યૂનિફોર્મ પોલિસીને આ પાછળનું કારણ જણાવ્યું હતું. ત્યાર પછી આ વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. વિદ્યાર્થિનીઓનો તર્ક હતો કે હિજાબ પહેરવાની મંજૂરી ન આવી તે સંવિધાનના અનુચ્છેદ 14 અને 25 મુજબ મૌલિક અધિકારનું હનન છે.
કર્ણાટકના કુડાપુર કોલેજમાં 28 મુસ્લિમ વિદ્યાર્થીઓને હિજાબ પહેરીને ક્લાસ એટેન્ડ કરતી રોકવામાં આવી હતી. આ મામલાને લઈને વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરી કહ્યું હતું કે ઈસ્લામમાં હિજાબ અનિવાર્ય છે. એટલા માટે તેઓને આની મંજૂરી આપવામાં આવે. આ વિદ્યાર્થિનીઓએ કોલેજ ગેટ બહાર બેસીને ઘરણા પણ શરૂ કર્યા હતા.