120 વર્ષમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ઈતિહાસ રચ્યો છે. નીરજે બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ફાઇનલમાં તેણે 88.17 મીટરના તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સુવર્ણ સફળતા હાંસલ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજની ઐતિહાસિક જીત પર ટ્વીટ કર્યું, પ્રતિભાશાળી નીરજ ચોપરાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એથ્લેટિક્સમાં ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમતગમતની દુનિયામાં શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન.
આ ચેમ્પિયનશિપ 1983થી યોજાઈ રહી છે અને પ્રથમ વખત કોઈ ભારતીય એથ્લેટે ગોલ્ડ મેડલ જીત્યો છે.
પાકિસ્તાનના અરશદ નદીમે સિલ્વર જીત્યો હતો. તેણે 87.82 મીટરનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનો આ એકંદરે ત્રીજો મેડલ છે. નીરજે ગત સિઝનમાં સિલ્વર જીત્યો હતો. મહિલા લોંગ જમ્પર અંજુ બોબી જ્યોર્જે 20 વર્ષ પહેલાં 2003માં પેરિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
નીરજ એકસાથે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બંને ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લેટ બન્યો છે. તેણે 2021 ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. ભારત વર્ષ 1900થી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે, પરંતુ નીરજ પહેલાં, કોઈ પણ ભારતીયે ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં કોઈ પણ મેડલ જીત્યો ન હતો. નીરજ પહેલા, મિલ્ખા સિંહ અને પીટી ઉષાનું અલગ-અલગ ઓલિમ્પિકમાં ચોથું સ્થાને રહેવું ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.