રાષ્ટ્ર તપાસ એજન્સી એ પાકિસ્તાન સમર્થિક ગજવા-એ-હિન્દ મોડ્યુલ મામલે આજે ગુજરાત સહિત 4 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. એનઆઇએએ ગુજરાતના ગિર સોમનાથ જિલ્લો, મધ્યપ્રદેશનો દેવાસ જિલ્લો, ઉત્તર પ્રદેશનો આઝમગઢ જિલ્લો અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ પરિસરોમાં દરોડા પાડ્યા છે. દરોડામાં કેટલીક શંકાસ્પદ બાબતો પણ સામે આવી છે, જેમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. જોકે હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દરોડામાં તે શંકાસ્પદોના સંબંધો સામે આવ્યા છે, જેમના પરિસરોમાં પહેલા દિવસે પાકિસ્તાન સ્થિત આકાઓની તપાસ કરાઈ હતી.
એનઆઇએની રિપોર્ટ મુજબ આ શંકાસ્પદો સંચાલકોના સંપર્કમાં હતાં. ઉપરાંત ગજવા-એ-હિન્દુના કટ્ટરપંથી ભારત વિરોધી પ્રવૃત્તિઓ તેમજ પ્રચાર કરવામાં સામેલ હતા. દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો અને મોબાઈલ ફોન, સિમ કાર્ડ જેવા ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરાયા છે.
ગત વર્ષે 14 જુલાઈએ બિહારના પટણામાં ફુલવારીશરીફ પોલીસ દ્વારા એક મરગૂબ અહમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ કરાયા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. મરગૂબ વોટ્સએપ ગ્રૂપ ગજવા-એ-હિન્દનો એડમિન હતો. આ ગ્રુપને પાકિસ્તાની નાગરિક જૈને બનાવ્યો હોવાનો પણ ખુલાસો થયો હતો. એનઆઈએએ કહ્યું કે, આરોપી મરગૂબે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યમન સહિત અન્ય દેશોના ઘણા લોકોને સમુહમાં સામેલ કર્યા હતા. મરગૂબ ટેલીગ્રામ અને બીઆઈપી મેસેન્જર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સક્રીય રહેતો હતો.