ભારતની અગ્રણી સંકલિત વીજ ઉત્પાદક એનટીપીસી લિમિટેડની સંપૂર્ણ માલીકીની પેટા કંપની એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ (એનજીઇએલ) અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યુ-એજ ઇન્ટરનેશનલ ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એનર્જી ક્ષેત્રે તકો શોધવા માટે સમજૂતી કરાર (એમઓયુ) કર્યાં છે.
આ એમઓયુ હસ્તાક્ષર કાર્યક્રમમાં એનજીઇએલના સીઇઓ શ્રી મોહિત ભાર્ગવા અને નયારા એનર્જીના ટેક્નીકલ હેડ અમર કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં. એનટીપીસી, એનજીઇએલ અને નયારા એનર્જીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.
નયારા એનર્જીના કેપ્ટિવ ઉપયોગ માટે, ડીકાર્બનાઇઝેશનને બળ આપવા તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે ઉત્પ્રેરક બનવાની એમઓયુની પરિકલ્પના છે. આ સહયોગ ભારતમાં હાઇડ્રોજન પ્રોજેક્ટ વિકસિત કરવાની એનટીપીસીની પહેલને અનુરૂપ છે તથા માનનીય પ્રધાનમંત્રી દ્વારા નિર્ધારિત આત્મનિર્ભર ભારતના વિઝન સાથે સુસંગત છે.
એનજીઇએલના સીઇઓ શ્રી મોહિત ભાર્ગવાએ ટીમને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, “અમે સ્વચ્છ અને ટકાઉ ઉર્જાના સ્રોતોની દિશામાં ભારતના ટ્રાન્ઝિશનને વેગ આપવાની સહિયારી પ્રતિબદ્ધતા માટે નયારા નર્જી સાથે હાથ મિલાવતા ખુશી અનુભવીએ છીએ. ભારતના સ્વચ્છ ઉર્જાના ભાવિમાં ગ્રીન હાઇડ્રોજન મહત્વપૂર્ણ પરિબળ બની રહેશે તથા આ ભાગીદારી દ્વારા અમે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે અદ્યતન ટેક્નોલોજીની શોધ અને અમલીકરણ કરીશું, જેથી સ્વચ્છ અને વધુ ટકાઉ એનર્જી લેન્ડસ્કેપમાં યોગદાન આપી શકાય. એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ (એનજીઇએલ) દ્વારા અમે અમારી ગ્રીન એનર્જીના પોર્ટફોલિયોનો વિકાસ કરવા માટે કટીબદ્ધ છીએ અને આ સહયોગ દેશ માટે હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય માટેના અમારા પ્રયાસોનું ઉદાહરણ છે.”
ગ્રીન હાઇડ્રોજન માટે એનટીપીસીના પ્રયાસોની પ્રશંસા કરતાં નયારા એનર્જીના સીઇઓ ડો. એલોઇસ વિરાગે કહ્યું હતું કે, “ઉર્જા ઉદ્યોગમાં અગ્રણી કંપની તરીકે નયારા એનર્જીની દરેક વ્યવસાયિક કામગીરીમાં પર્યાવરણીય ટકાઉપણું ગાઢ રીતે જોડાયેલું છે. આજે અમે ગ્રીન એનર્જી બિઝનેસમાં અગ્રણી એનટીપીસી સાથે ભાગીદારી કરીને એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યાં છીએ, જેથી ગ્રીન હાઇડ્રોજનની સંભાવનાઓ વિકસાવી શકાય. આ સહયોગ દેશના ઉર્જા સંક્રમણના ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં યોગદાન આપશે.”