આજકાલ અમેરિકાનું ન્યુયોર્ક શહેર ઉંદરોથી પરેશાન થયું છે. શહેરની શેરીઓ, ગલીઓ, ફુટપાથ પર રસ્તા પર દરેક સ્થાનો પર ઉંદરોની ભરમાર છે. ઉંદરો એટલા વધી ગયા છે કે બાળકોને ફુટપાથ પર ચાલવા દેતા લોકો ખચકાઇ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્રએ ઉંદરો સામે ઝુંબેશ શરૂ કરી છે.
આ ઝુંબેશમાં અધિકારીઓએ હવે ઉંદરોને ગુંગળાવીને મારવા ઉપરાંત નવી પદ્ધતિઓ અપનાવી છે. હવે તેઓ હાઈટેક મેપિંગ ટુલ્સનો ઉપયોગ કરીને ઉંદરોની વસ્તી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને શેરીમાં કચરો ન ફેંકવા જાગૃત કરાઈ રહ્યા છે. જેથી ઉંદરોને ખોરાક ન મળે. ન્યુયોર્ક સિટી હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારી કેરોલિન બ્રેગડોને જણાવ્યું હતું કે, ખોરાકનો અભાવ ઉંદરો અને અન્ય જીવાતોને તણાવમાં મુકે છે. તેમણે કહ્યું કદાચ તે તેમને ખોરાક શોધવા માટે વધુ મહેનત કરવી પડશે.
શહેર હાર્લેમ વિસ્તારમાં ઉંદરોનો સામનો કરવા માટે નવી પદ્ધતિઓ અને ઉત્પાદનોનું પરિક્ષણ કરી રહ્યું છે. 85 લાખની વસ્તી ધરાવતા ન્યુર્યોકમાં ઉંદરો પાસે ખોરાક મળી રહે છે. કયાંક ફુટપાથ પર, કયાંક ગાર્ડનમાં, કયાંક કચરાના ઢગલામાં મળી રહે છે. ઉંદરો પણ માણસની જેમ બધુ જ ખાય છે. ઉંદરોને જીવવા માટે દરરોજ 28 ગ્રામ ખોરાકની જરૂર પડે છે. તે એક સમયે 12 બચ્ચા પેદા કરી શકે છે. એક વર્ષથી ઓછા જીવનકાળમાં તે 5 થી 7 વખત પ્રજનન કરી શકે છે.
ત્યારે શહેરમાં ઉંદરોનો ઉપદ્રવ ઓછો કરવા ‘ઓપરેશન કંટ્રોલ’ શરૂ કરાયો છે. જેમાં 70 નિરીક્ષકોની ટીમ તૈનાત છે. જે ઉંદરોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીને તેમની સંખ્યા ઘટાડવાની વ્યુહરચના ઘડી રહ્યા છે. તેઓ લોકોમાં જાગૃતી ફેલાવવા ઘરે-ઘરે જઇને લોકોને સ્વચ્છતા અંગે જાગૃત્ત કરી રહ્યા છે.


