પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2023થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.
આ વખતે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 47 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે અને ઓપરેશનલ કારણોસર 11 ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે.
મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચાવશે.
આ સમયગાળા દરમિયાન, રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 95 ટ્રેનોનો વહેલા કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 1 કલાક 39 મિનિટ સુધી વહેલા પહોંચશે. તેવી જ રીતે, 102 ટ્રેનોના સમય મોડા કરવામાં આવ્યા છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 1 કલાક 14 મિનિટ સુધી મોડી પહોંચશે. ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને રાજકોટ ડિવિઝનના અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.
પશ્ચિમ રેલવે મુસાફરોને અપીલ કરે છે કે નવા ટાઈમ ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે કૃપા કરીને રેલ ઈન્ક્વાયરી 139 અથવા વેબસાઈટwww.wr.indianrailways.gov.in તપાસો.