Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરબેદરકાર તંત્ર : વાછરડાએ ઘોડિયું ઢસડ્યું, બાળકનો બચાવ

બેદરકાર તંત્ર : વાછરડાએ ઘોડિયું ઢસડ્યું, બાળકનો બચાવ

બુધવારે સવારે બર્ધનચોક વિસ્તારમાં વાછરડું રૂમ સુધી પહોંચી ગયું !: મહિલાને ઈજા : એક માસ દરમિયાન બીજી ઘટના

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષોથી સગડતી ટ્રાફિક સમસ્યાની સાથે સાથે છેલ્લાં ઘણાં સમયથી શહેરના રાજમાર્ગો પર ફરતા અબોલ પશુઓનો ત્રાસ દિવસને દિવસે વધતો જાય છે. હવે પરિસ્થિતિ એટલી કાબુ બહાર જતી રહી છે કે અબોલ પશુઓ શહેરીજનોને ટાર્ગેટ બનાવી હુમલો કરવાની ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલાં જ એક મહિલા ઉપર હુમલો કરવાની ઘટનાના સીસીટીવી ફૂટેજો બહાર આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. હજુ આ ઘટનાની કળ વળી નથી ત્યાં બુધવારે સવારના 10:30 વાગ્યાના અરસામાં શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં વાછરડુ ઘુસી ગયું હતું અને આ વાછરડુ રૂમમાં જઇ ઘોડિયામાં રહેલા બાળક ઉપર હુમલો કરે તે પહેલાં જ પરિવારજનોએ બાળકને આબાદ બચાવી લીધું હતું. જો કે, મહિલાને ઈજા પહોંચી હતી.

શહેરમાં સતત વધતાં જતાં અબોલ પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પરંતુ, મહાનગરપાલિકાના બેદરકાર તંત્ર દ્વારા ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટેના કોઇ આયોજનો કરવામાં આવતા નથી. હાલમાં મહિલા ઉપર અબોલ પશુ દ્વારા કરાયેલા હુમલાની નિંદનીય ઘટના બાદ મ્યુ.કમિશનર દ્વારા શહેરના રાજમાર્ગો પર રખડતા-ભટકતા અબોલ પશુઓને માર્ગ પરથી હટાવવા માટે 30 રોજમદારોને રાખવામાં આવ્યા છે. આ રોજમદારો દ્વારા રાજમાર્ગો પર ભટકતા પશુઓને દૂર કરવામાં આવે છે પરંતુ, ગંભીર પરિસ્થિતિ એ છે કે, છેલ્લાં એક માસ દરમિયાન શહેરમાં બનેલી બે ઘટનાઓ એ સમગ્ર શહેરીજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે અને હવે તો લોકો ઘરમાં જ અબોલ પશુઓના ભયથી થરથર કાપતા હોય છે.

જામનગર શહેરના પંચવટી રોડ, રામેશ્ર્વર રોડ, પટેલ કોલોની, ગાંધીનગર વિસ્તાર, રાંદલનગર વિસ્તાર, શરૂ સેકશન રોડ વિસ્તાર, ખોડિયાર કોલોની વિસ્તાર, ગુલાબનગર વિસ્તાર, શંકરટેકરી વિસ્તાર સહિતના અનેક નાના મોટા માર્ગો પર આવા અબોલ પશુઓ અડીંગો જમાવીને બેસે છે જેને કારણે અનેક નાના મોટા અકસ્માતો બને છે અને કોઇ બનાવો તો એટલા ગંભીર પણ બને છે કે અકસ્માતમાં ઘવાયેલ વ્યકિતઓના મોત પણ નિપજે છે. આવા માર્ગો પરથી જો અબોલ પશુઓને દૂર કરીને શહેરથી 25 કિ.મી.દૂર રાખવાની વ્યવસ્થા આ પશુઓના માલિકો દ્વારા કરવામાં આવવી જોઇ જેથી શહેરમાંથી અબોલ પશુઓનો ત્રાસ પણ દૂર થશે અને શહેરમાં અવાર-નવાર અબોલ પશુઓના કારણે બનતા અકસ્માતોમાં પણ મોટાપાયે ઘટાડો થવાની શકયતા છે. આ ગંભીર સમસ્યા અંગે મ્યુ. કમિશનર વિજય ખરાડી આ ગંભીર સમસ્યા મામલે લાંબાગાળાનું વ્યવસ્થિત આયોજન કરી અમલવારી કરાવે તેવી લોકોની માંગણી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular