જામનગરમાં ભુતીયા બંગલા વાળી જગ્યા પર કન્સ્ટ્રકશન માટે બનાવવામાં આવેલો ખાડો જગ્યાના માલિકની બેદરકારીથી મીની તળાવમાં ફેરવાય ગયો હોય તેમજ જીવલેણ બનેલાં આ ખાડા અંગે ‘ખબર ગુજરાત’ દૈનિકમાં 29 જુલાઇના રોજ ‘હજુ કેટલાનો ભોગ લેશે આ માનવભક્ષી ખાડો..?’ શિર્ષક હેઠળ જામ્યુકોના તંત્રની લાપરવાહી છતો કરતો અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિધ્ધ થયાના બીજા દિવસે એટલે કે, 30 જુલાઇના રોજ જામ્યુકોના તંત્રને પોતાની બેદરકારીનું ભાન થયું હોય તેમ તાબળતોબ આ જગ્યાના માલિક પ્રકાશભાઇને નોટીસ પાઠવી હતી. તેમજ નોટીસના 15 દિવસમાં આ ખાડો પુરી દેવા માટે તાકિદ કરવામાં આવી છે.
‘ખબર ગુજરાત’ના અહેવાલ બાદ જાગેલા જામ્યુકોના તંત્રને નોટીસ આપવાની ફરજ પડી છે. અર્થાત ‘ખબર ગુજરાત’ના અહેવાલનો પડઘો પડયો છે. હવે જામ્યુકોને કોણ સમજાવે કે આને અમારો પડઘો કહેવાય, રદિયો નહીં. ભાષા અને શબ્દોની પણ જામ્યુકોના તંત્ર વાહકોને સમજણ ન હોય તેમ પોતાના ટવીટર હેંડલ પર પોતાની નાલેશી અને બેદરકારીને રદિયામાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે.
આપ જ કહો કે આને રદિયો કહેવાય કે પડઘો…?
5 ઓગસ્ટે જામ્યુકોના ટવીટર પર મુકેલા એક ટવીટમાં તેમણે આ અહેવાલને રદિયો આપ્યો છે. વાસ્તવમાં ‘ખબર ગુજરાત’ના અહેવાલ બાદ તેમણે નોટીસ આપવાની કાર્યવાહી કરી છે. હવે આપ જ કહો કે આને રદિયો કહેવાય કે પડઘો…? જયારે કોઇ સમાચારને નકારવામાં આવે તેના માટે ગુજરાતી ભાષામાં ‘રદિયો’ શબ્દ પ્રયોગ થાય છે. કોઇ ભુલ સ્વીકારવામાં આવે ત્યાર નહીં. જયારે કોઇ અહેવાલની પ્રતિક્રિયાની ભાગરૂપે કોઇ કાર્યવાહી કરવામાં આવે તો તેને રદિયો નહીં પરંતું અહેવાલ પ્રસિધ્ધ કરનાર અખબારનો પડઘો કહેવામાં આવે છે.
જામ્યુકોના જવાબદાર અધિકારીઓ અને સોશ્યલ મીડિયા હેંડલ કરતા જવાબદાર વ્યકિતઓએ ભાષાની સમજણ કેળવી રદિયા અને પડઘા વચ્ચેનું અંતર શું હોય છે તે સમજી લેવું જોઇએ.