ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ અમેરિકાના યૂઝીનમાં 18મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે.તેણે 88.13 મીટર ભાલો ફેંકીને આ મેડલ હાંસલ કર્યો હતો. ગોલ્ડ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 90.46 મીટર ભાલા ફેંકમાં જીત મેળવી હતી.
પીએમ મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું “અમારા સૌથી ખાસ એથ્લેટમાંથી એકની શાનદાર સિદ્ધિ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિલ્વર મેડલ મેળવનાર નીરજ ચોપરાને જીત બદલ અભિનંદન. ભારતીય રમતો માટે આ ક્ષણ ખાસ છે. આગામી સ્પર્ધાઓ માટે નીરજને શુભકામનાઓ.”
નીરજ ચોપરાના કારણે 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે. અગાઉ 2003માં અંજૂ બોબી જોર્જે મહિલા લોન્ગ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. નીરજ ચોપરાની પહેલી એટેમ્ટ ફાઉલ રહી હતી જ્યારે બીજી એટેમ્પ્ટમાં તેમણે 82.39 મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ઘણું દૂર હતું. બીજી બાજુ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ એટેમ્પ્ટમાં જ 90 મીટર પાર કરી લીધા હતા. તેમણે સતત 3 એટેમ્પ્ટમાં 90.46, 90.21 અને 90.46 મીટરનો થ્રો કરીને પોતાનો મેડલ લગભગ પાક્કો કરી લીધો હતો.
નીરજે ત્રીજી એટેમ્પ્ટ દરમિયાન પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો અને 86.37 મીટરના થ્રો સાથે ચોથા નંબરે પહોંચી ગયા હતા. ભારતીય સ્ટાર નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટનરો થ્રો કરીને બીજો નંબર મેળવ્યો છે.