જેના માટે રશિયા સાથે બાથ ભીડવા તૈયાર થયેલાં યુક્રેનને નાટોના દેશો તરફથી ખરા સમયે જ સૈન્ય સહાયતા પ્રાપ્ત નહીં થતાં નારાજ થયેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આખરે નાટોનું સભ્ય નહીં બનવાનો નિર્ણય કર્યો હોવાનો અહેવાલો પ્રાપ્ત થયા છે. એબીસી ન્યુઝ અનુસાર યુક્રેન રશિયા સાથે સમાધાન માટે તૈયાર થયું છે. એટલું જ નહીં નાટોમાં નહીં જોડાવા અને રશિયાએ સ્વતંત્ર જાહેર કરેલાં યુક્રેનના બે પ્રાંતને માન્યતા આપવાનું પણ સ્વીકાર્યું હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 13 દિવસથી ચાલતા યુધ્ધને કારણે યુક્રેનના મોટાભાગના વિસ્તારોનો સફાયો થયો છે. અને નાગરિકો અત્યંત કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે. આવા સંજોગોમાં અમેરિકા સહિતના નાટો દેશોએ માત્ર મોટી-મોટી વાતો કરતાં જ યુક્રેનિયન રાષ્ટ્રપતિ ભારે નારાજ થયા છે. ગઇકાલે તેમણે નાટોના દેશો રશિયાથી ડરતા હોવાનું ટિવટ પણ કર્યુ હતું.
યુક્રેન પર રશિયાના આક્રમણનો મંગળવારે 13મો દિવસ હતો. આખી દુનિયાના વિરોધ અને આર્થિક પ્રતિબંધો વચ્ચે પણ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યા છે. જોકે, રશિયા અને યુક્રેન મંગળવારે 12 કલાકના યુદ્ધ વિરામથી માનવ કોરીડોર સૃથાપવા સંમત થયા હતા. જેથી યુક્રેનના અનેક શહેરોમાંથી નાગરિકો મોટી સંખ્યામાં પલાયન કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે યુક્રેનમાંથી છેલ્લા 13 દિવસમાં જ 20 લાખથી વધુ લોકોએ હિજરત કરવાની ફરજ પડી છે. બીજા વિશ્વ યુદ્ધ પછીના ભયાનક યુદ્ધમાં યુક્રેનના શહેરોમાં ભોજન, પાણી, દવાની અછત વચ્ચે માઈનસ 20 ડિગ્રી તાપમાને યુક્રેનવાસીઓની હાલાકી વધારી છે. રશિયા સાથે યુદ્ધમાં વિજયના દાવાઓ વચ્ચે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ નાટોમાં નહીં જોડાવાની અને પુતિને સ્વતંત્ર જાહેર કરેલા રશિયન તરફી બે પ્રાંતોના દરજ્જા મુદ્દે રશિયા સાથે સમાધાન કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. એબીસી ન્યૂઝ પર સોમવારે રાત્રે પ્રકાશિત થયેલી એક મુલાકાતમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, નાટો રશિયા સામે લડવા તૈયાર નથી તેમજ તે યુક્રેનને સંગઠનમાં સ્વીકારવા પણ તૈયાર નથી. તેથી યુક્રેન હવે નાટોમાં નહીં જોડાય. વધુમાં યુક્રેન પર 24મી ફેબુ્રઆરીએ આક્રમણ કરતા પહેલાં પુતિને ડોનબાસ અને લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકેનો દરજ્જો આપવા અંગેના મુદ્દે પણ તેઓ સમાધાન કરવા તૈયાર છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં વધુ સંખ્યામાં યુક્રેનવાસીઓના પલાયનની આશંકા છે. યુક્રેનમાં યુદ્ધના 13મા દિવસે લાખો લોકો ભોજન, પાણી, દવાઓ અને ઠંડીના કારણે કફોડી સ્થિતિમાં મુકાયા છે. અનેક શહેરોમાં વીજળીના અપૂરતા પૂરવઠા તેમજ રશિયાએ અનેક શહેરોની ગેસપાઈપલાઈન કાપી નાંખી હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.બીજીબાજુ યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આક્ષેપ કર્યો કે રશિયાએ સુમીમાં 500 કિલોના બોમ્બ ફેંક્યા છે.
આ સિવાય ઝેલેન્સ્કીએ યુક્રેનમાં વિનાશ માટે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવતા કહ્યું કે, અમે ક્યારના સાંભળી રહ્યા છીએ કે વિમાન આવી રહ્યા છે, હથિયાર આવી રહ્યા છે. પરંતુ યુદ્ધના આટલા દિવસમાં અમને કોઈ સહાય મળી નથી. પશ્ચિમી દેશોએ વચનો ઘણા આપ્યા,પરંતુ કોઈ મદદ કરી નહીં. અમે અમારા બળે લડી રહ્યા છીએ. 13 દિવસના આ યુદ્ધમાં રશિયાએ તેના એટલા હથિયાર, શસ્ત્રો ગુમાવ્યા છે જેટલા કદાચ તેણે 30 વર્ષમાં ગુમાવ્યા નહોતા. અત્યાર સુધીમાં રશિયાના 12,000થી વધુ સૈનિકો માર્યા ગયા છે. દરમિયાન રશિયન સૈન્યે દાવો કર્યો હતો કે તેણે યુક્રેનમાં 30 જૈવિક પ્રયોગશાળાઓનો ભંડાફોડ કર્યો છે. તેનાથી જાણવા મળે છે કે યુક્રેન જૈવિક હથિયારો પર સંશોધન કરી રહ્યું છે. રશિયન મીડિયા સ્પુતનિકના રિપોર્ટ મુજબ રશિયન સૈન્યના દાવાને પુતિન સરકાર ગંભીરતાથી લઈ રહી છે. રશીયન સશસ્ત્ર દળોના પ્રમુખ ઈગોર કિરિલોવે કહ્યું કે પ્રયોગશાળાઓ કથિતરીતે જૈવિક હથિયારોના ઉત્પાદનમાં સામેલ હતી.
યુક્રેનના ચાર શહેરમાં સીઝ ફાયરની જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને માનવતા દાખવીને યુક્રેનના 4 શહેરોમાં યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. પુતિને સીઝફાયરની જાહેરાત કરતા હાલ આ શહેરોમાં રાહત કામગીરી ચાલી રહી છે. અને બંકરમાં ફસાયેલાં લોકો પોતાના નિયત સ્થળે અથવાનો અન્યત્ર સ્થળાંતરની પ્રક્રિયા કરી રહ્યાં છે. યુક્રેનમાં 9 માર્ચે એટલેકે, આજે silence period રહેશે. ભારત સહિત ઘણા દેશો યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ લગભગ 50 મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. 50 મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી હતી.