Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઐતિહાસિક જનમેદની વચ્ચે કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહીરની જુગલબંધીની જમાવટ

જામનગરમાં ઐતિહાસિક જનમેદની વચ્ચે કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહીરની જુગલબંધીની જમાવટ

ગુજરાત ભરમાંથી પધારેલા સંતો- મહંતો- રાજકીય નેતાઓ- સામાજિક સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિ

- Advertisement -

જામનગરના પ્રદર્શન મેદાનમાં ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના અંતિમ રાત્રિ કાર્યક્રમમાં ગુજરાતના ઘરેણા સમાન અને વિશ્વ ખ્યાતી પામનારા સુપ્રસિદ્ધ લોકગાયકો કિર્તીદાન ગઢવી, અને માયાભાઇ આહીર ની જુગલ જોડીએ એવી તે જમાવટ કરી હતી, કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઉપસ્થિત ઐતિહાસીક જનમેદનીએ બન્ને કલાકારોની ભવ્ય રંગત માણીને આફરીન થઈ ગયા હતા. એટલૂં જ માત્ર નહીં, ગુજરાત રાજ્યભરમાંથી સંતો-મહંતો રાજકીય દિગ્ગજ નેતાઓ સેવાકીય સંસ્થાના અગ્રણી વહીવટી તંત્રના અધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહીને લોકડાયરાની રંગત માણી હતી. અને સતત સાડા ચાર કલાક સુધી ચાલેલા લોકડાયરાના માહોલમાં કૃષ્ણ ભક્તિના રંગે સૌ કોઈ રંગાઈ ગયા હતા. સાથોસાથ એટલી જ ધનવર્ષા પણ થઈ હતી, જે પણ નવા કીર્તિમાન સમાન છે.

- Advertisement -

જામનગરના પ્રદર્શન મેદાનમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના અંતિમ રાત્રી કાર્યક્રમમાં શનિવારે રાત્રે ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ભાઈ ગઢવી, તેમજ લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ના લોક ડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમની રંગત એવી જમાવટ ભરી રહી હતી, કે સાડા ચાર કલાક સુધી એક પછી એક કૃષ્ણ ભક્તિના ગીતો તેમજ ક્યારેક ક્યારેક ફિલ્મી ગીતો સહિત ના મિશ્ર ધમાલિયા ગીત સંગીતના સથવારે અને ભજનોના સહારે તમામ શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયા હતા.

- Advertisement -

જામનગર શહેર માટે ઐતિહાસિક કહી શકાય તેટલી જનમેદની ઉમટી પડી હતી, અને યજમાન પરિવાર તથા આયોજકની વ્યવસ્થા કમિટી, ઉપરાંત પોલીસ તંત્રના સહયોગથી કોઈપણ પ્રકારની ખલેલ વિના સતત સાડા ચાર કલાક સુધી લોક ડાયરા નો કાર્યક્રમ જમાવટ કરતો રહ્યો. એક તબક્કે પ્રદર્શન ગ્રાઉન્ડ ના પાર્કિંગના એરિયામાં પણ પ્રજાજનો સ્ક્રીન ના માધ્યમથી દેખાય તો તે માધ્યમથી કાર્યક્રમ ને નિહાળતા હતા, જ્યારે કેટલાક લોકો તો અંદર પ્રવેશી શકે તેમ ન હોવાથી માત્ર સાઉન્ડના સથવારે જ કલાકારોને જોયા વિના લોકડાયરાની રંગત માણી હતી. જ્યારે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જ ઊભા રહીને કેટલાક મોબાઈલધારકો એ પોતાના મોબાઈલમાં યૂ ટ્યુબ ના માધ્યમથી પણ લોક ડાયરાની રંગત માણીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

સાત રસ્તા સર્કલ થી લાલબંગલા સર્કલ સુધીના માર્ગે વાહનો જ વાહનોનો ખડકલો થઇ ગયો હતો. અને કોઈપણ પ્રકારની વાહન ચલાવવા માટેની અથવા તો ચાલવા માટેની જગ્યા બાકી રહી ન હતી. અને જામનગરના ઈતિહાસમાં કહી શકાય તેવી અભૂતપૂર્વ જનમેદનીએ રાત્રિ કાર્યક્રમ માણ્યો હતો.

- Advertisement -

અંતિમ લોકડાયરાના રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યભરમાંથી અનેક રાજકીય આગેવાન સંતો મહંતો વગેરેએ હાજરી આપી હતી. એટલું જ માત્ર નહીં પૂર્વ રાજ્યપાલ અને રાજકોટના મોભી એવા વજુભાઈ વાળા, તથા અન્ય ધારાસભ્યો, ભાજપ અને કોંગ્રેસના રાજ્યકક્ષાના નેતાઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ઉપરાંત પૂર્વ આઈપીએસ અધિકારી વગેરે પણ લોકડાયરો ના કાર્યક્રમમાં પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા, અને બંને લોકગાયકો ની મંચ પરથી એક પછી એક રજૂ થતી સંગીતસભર કૃતિ સાંભળીને ભાવવિભોર બન્યા હતા. લોકડાયરાના કાર્યક્રમની મધ્યે યજમાન પરિવાર દ્વારા સમગ્ર રાજ્યભરમાંથી આવેલા અતિથિઓ નો ખેસ પહેરાવી સ્મૃતિભેટ અર્પણ કરી વિશેષ રૂપે સન્માન કરાયું હતું. ગઇકાલના લોકડાયરામાં પણ ચલણી નોટોનો ભારે વરસાદ થયો હતો, અને અત્યાર સુધીના જામનગર શહેરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ધારાસભ્યો સહિતના અનેક રાજકીય અગ્રણીઓ, બિલ્ડર, વેપારીઓ, વગેરે દ્વારા કરાયેલા ચલણી નોટોના વરસાદ પછી નોટો એકત્ર કરવા વાળા ની ટીમ તેમજ ગણવા વાળી ટીમ પણ થાકી ગઈ હતી. એક તબક્કે યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજા એ નોટો નો વરસાદ કરનારા મહેમાનોને હાથ જોડીને નોટરૂપી આશીર્વાદ બંધ કરવા પણ વિનંતી કરવી પડી હતી.

એકંદરે સાત દિવસના રાત્રિ કાર્યક્રમ પૈકીનો શનિવારની રાત્રિનો અંતિમ કાર્યક્રમ સુપરહિટ સાબિત થયો હતો. લોકગાયક કિર્તીદાન ભાઈ ગઢવીએ મંચ પરથી જણાવ્યું હતું કે, ‘જેની કૃષ્ણ સાથે છે યારી, તે છે માલધારી’ તેમ કહીને પોતે માલધારી નો દીકરો છે, અને માલધારીની કૃષ્ણ ભક્તિ સાથેના અનેક ભક્તિ ગીતો રજૂ કરીને સર્વે શ્રોતાગણને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. એટલું જ માત્ર નહીં સાથે તાળીઓ પડાવીને અનેક ભજનો પણ ગવડાવ્યા હતા.
સાથોસાથ બીજા સુપ્રસિદ્ધ લોક ગાયક માયાભાઈ આહિરે યજમાન પરિવારને શબ્દોના માધ્યમથી સન્માન કરીને જણાવ્યું હતું, કે આ ભાગવત જ્ઞાન યજ્ઞ કે જે જાડેજા પરિવાર માટેજ માત્ર નથી, પરંતુ જામનગર સહિતના આસપાસના વિસ્તારના અઢારેય વર્ણના લોકોને જોડવા માટેનો યજ્ઞ છે, અને આ કાર્ય હકુભા જાડેજા અને તેમનો પરિવાર જ કરી શકે તેમ છે. અને આવું સત્કાર્ય કરવા બદલ તેઓનું ખૂબ જ સન્માન કર્યું હતું.

લોકડાયરામાં 10-20-50-100 અને 500 પછી 2000ની નોટ અને વિદેશી ચલણ નો પણ વરસાદ

સુપ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ભાઈ ગઢવી, અને માયાભાઈ આહીર કે જે બન્નેની જોડીએ એવી તે જમાવટ કરી હતી કે અનેક રાજકીય આગેવાનો, બિલ્ડરો વગેરે ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને એવો તે ચલણી નોટોનો વરસાદ કરી દીધો હતો, કે સમગ્ર સ્ટેજ તથા આસપાસનું પરિસર ચલણી નોટોથી જ છવાઇ ગયું હતું. અને નીચેની લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ હતી. એટલું જ માત્ર નહીં પરંતુ બે દિવસ પહેલાના કિર્તીદાન ભાઈ ગઢવી ના રાત્રિ કાર્યક્રમના નોટોના વરસાદના પણ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ચલણી નોટો ની પાછળ કલાકારો પણ સ્પષ્ટ દેખાઇ શક્યા ન હતા. મહેમાનો કાર્યક્રમ નીહાળીને એવા રિઝયા હતા કે 10-20-50 અને 100 ના બંડલો તો ખૂબ જ ઓછા જોવા મળતા હતા, પરંતુ સૌથી વધુ 500 રૂપિયાની દરના ચલણી નોટોના નવા બંડલ ઉડયા હતા, ખાસ કરીને બિલ્ડર મેરામણભાઇ પરમાર, ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, તથા અન્ય યજમાન પરિવાર ના નિકટવર્તી, સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા રાજપુત અગ્રણીઓ, વગેરે દ્વારા ગુલાબી નોટ ના બંડલો પણ ઉડાડવાના શરૂ કરી દીધા હતા. એટલું જ માત્ર નહીં કેટલાક વિદેશી મહેમાનો પણ આવ્યા હતા, અને તેઓએ ડોલર પાઉન્ડ સહિતના અનેક ચલણી નોટોના બંડલો નો પણ વરસાદ કર્યો હતો. જેને નિહાળીને કલાકારો તો ઠીક તમામ શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા.

ચલણી નોટો એકત્ર કરવા માટેની ટિમ ખૂબ જ ટૂંકી પડી હતી. એક તબક્કે બંને કલાકારોએ થોડો સમય માટે પોતાના શબ્દો ને વિરામ આપીને સૌ પ્રથમ ચલણી નોટો એકત્ર કરવા માટે કાર્યકર્તાઓની ફોજ ને બોલાવી લીધી હતી, અને સ્ટેજ પરથી તેમજ આસપાસના વિસ્તારમાં એકત્ર થયેલી ચલણી નોટો કે જેને ભરવા માટેના પાત્ર પણ ખુટી પડયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular