આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણી પૂર્વે પંજાબ-હરીયાણામાં ચાલી રહેલા ખેડુત આંદોલનનો અંત લાવવા કેન્દ્ર સરકારે હાલ ટેકાના ભાવને કાનુની માન્યતા સમાન જ પ્રસ્તાવ મુકીને હવે નિર્ણય આંદોલનકારીઓ પર છોડયો છે. રવિવારે ફરી ચંદીગઢ પહોંચેલા કેન્દ્રીય વ્યાપાર મંત્રી સહિતના ત્રણ કેન્દ્રીય મંત્રીઓએ આંદોલનકારીઓ સાથે કરેલી વાટાઘાટમાં ચાર કૃષિ પાકો પર ટેકાના ભાવ મળવાની ઓફર કરી છે.
કેન્દ્ર તરફથી અપાયેલા પ્રસ્તાવ મુજબ સરકાર ઘઉં અને અન્ય ધાન્ય ઉપરાંત મસુર અડદ-મકાઈ અને કપાસમાં આ ટેકાના ભાવની ગેરેન્ટી આપવા તૈયાર છે. આ માટે ખેડુતો જે આ સીસ્ટમનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ કેન્દ્રીય એજન્સીઓ સાથે પાંચ વર્ષનાં કરાર કરવાના રહેશે. આ માટે સરકાર નેશનલ કોઓપરેટીવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડીયા (એનસીસીએફ) તથા નેશનલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયા (નાફેડ)ને જવાબદારી સુપ્રત કરશે. આજે આ અંગે ખેડુત સંગઠનોની બેઠક યોજાશે અને તેમાં કેન્દ્રનાં પ્રસ્તાવ પર વિચારણા કરીને જવાબ અપાશે. લગભગ પાંચ કલાક ચાલેલી આ બેઠક બાદ આ આંદોલન ચાલુ રાખવા ખેડૂત સંગઠનોએ જાહેર કર્યું છે. સરકારનો દાવો છે કે કૃષિ પાકમાં વૈવિધ્યકરણની ખેડુતોને તેમની જમીન વધુ ઉપજાવ બનાવવાની તક મળે તથા યોગ્ય પાકથી વધુ ભાવ મેળવી શકે તે હેતુથી આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
અગાઉ ખેડુત સંગઠનોએ હાલ જે અનાજ અને કૃષિ પાક પર ટેકાના ભાવ આપવામાં આવે છે તેને કાનુની સ્વરૂપ આપવા ખાસ વટહુકમ સિવાય તેઓ કોઈ ઓફર સ્વીકારશે નહિં તે વાત પર અડગ રહ્યા હતા પણ બાદમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અર્જુન મુંડા, નિત્યાનંદ રાવ ઉપરાંત પંજાબનાં મુખ્યમંત્રી ભગવંતસિંહ માન અને પંજાબનાં કૃષિમંત્રી ગુરમીતસિંહ બૂડીયા સાથેની બેઠકમાં આ પ્રસ્તાવ પર ખેડૂતો વિચારવા તૈયાર હોવાનો સંકેત આપી દીધો છે. ખેડુત સંગઠનો આજે તેમના પ્રતિનિધિઓ તથા કૃષિ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે વાટાઘાટ કરશે. કપાસનાં ટેકાના ભાવ મુદ્દે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા બંધનો સાથે કરાર કરશે અને ટેકાના ભાવે ખરીદીની ખાતરી આપશે. અગાઉ તા.8-12 અને નવ ફેબ્રુઆરીના રોજ ખેડૂતો સાથે ચર્ચા થઈ હતી. પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો.