જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાંથી કોલેરાના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેનો ફેલાવો અટકાવવા માટે તથા આ વિસ્તારને કોલેરાગ્રસ્ત અને તેની આજુબાજુનો ૨ કિ.મી.નો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો હોવાનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ બી. કે. પંડયા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જામનગર તરફથી મળેલ દરખાસ્ત અન્વયે જામનગર તાલુકામાં આવેલ મોટી ખાવડી ગામમાંથી કોલેરાના પોઝીટીવ કેસો નોંધાયેલા હોવાથી કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા અને તેની આજુબાજુના 2 કિ.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવા માટે દરખાસ્ત મળેલી છે. તેથી કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલા લેવા માટે એપેડેમીક ડીસીઝ એકટ નંબર 3 ઓફ 1897 અન્વયે મોટી ખાવડી ગામને કોલેરા રોગગ્રસ્ત વિસ્તાર તરીકે અને તેની આસપાસના 2 કી.મી.ના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારો માટે તાલુકા વિકાસ અધિકારી, જામનગરની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્તિ કરી નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એનાયત કરવામાં આવી છે.