જામનગર તાલુકાના ધુતારપર ગામમાં વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના પરપ્રાંતિય ખેતમજૂર મહિલાને તેણીના પીયરે જવાની પતિએ ના પાડયાનું મનમાં લાગી આવતા મહિલાએ તેણીના ત્રણ માસુમ સંતાનોને કુવામાં ફેંકી આપઘાત કર્યાના બનાવમાં ફાયર ટીમે સ્થળ પર પહોંચી જઈ ત્રણ બાળકો સહિત ચાર મૃતદેહ બહાર કાઢી પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબઢ તાલુકાના રણજીતગઢ ગામના વતની અને જામનગર તાલુકાના ધુતારપર ગામની સીમમાં આવેલી દિનેશભાઇ કોટડીયાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા કમલેશભાઇ જ્ઞાનસીંગ મીનાવા નામના ખેતમજૂર યુવાનની પત્ની સંગીતાબેન કમલેશભાઇ મીનાવા (ઉ.વ.26) નામની યુવતીને તેણીના પીયરે જવું હતું. પરંતુ, પતિએ ભાગમાં રાખેલા જીરાનો હિસાબ લેવાનો બાકી હોવાથી હાલ પીયર નહીં જવા મળે તેમ કહ્યું હતું. આ બાબતનું મનમાં લાગી આવતા ધનુબેન ઉર્ફે સંગીતાબેન કમલેશ મિનાવા (ઉ.વ.26) નામની મહિલાએ રવિવારે સવારના 10 વાગ્યાના અરસામાં તેણીના સંતાનો મમતાબેન (ઉ.વ.6), અંજલીબેન (ઉ.વ.3) અને પુત્ર સોહન (ઉ.વ.9 માસ) નામના ત્રણ બાળકોને કુવામાં ફેંકી દઇ હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ ધનુ ઉર્ફે સંગીતાબેન નામની મહિલાએ પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.
આ અંગેની જાણ વાડી માલિક દ્વારા કાલાવડની ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેના આધારે ફાયર શાખાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કૂવામાંથી શોધખોળ બાદ એક પછી એક એમ ત્રણ સંતાનો અને માતા મળી કુલ ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં. એક સાથે ચાર-ચાર મૃતદેહો મળી આવતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહને બહાર કાઢયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પીએસઆઈ એ.કે. પટેલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ ત્રણ બાળકો અને માતા સહિત ચાર મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના મહિલાના પતિ કમલેશ મિનાવાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.