મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અકોલા અને કોલ્હાપુરના ઘણા વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશ કરી રહ્યું છે. રત્નાગિરિ જિલ્લાના ચિપલૂન અને ઘેડ શહેરોમાં પાણી આઠથી દસ ફૂટ સુધી પહોંચ્યું હતું. આને કારણે ઘણા મકાનોના પહેલા માળ ડૂબી ગયા હતા. અનેક બસો ડૂબી ગઈ. રત્નાગિરી જિલ્લાના ચિપલૂણમાં એક હોસ્પિટલમાં વરસાદ દરમિયાન લાઈટ જતી રહેતા 8 દર્દીઓના મોત નિપજ્યા છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ગોવંડીમાં એક ઈમારત પડવાથી 4 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે રાયગઢમાં પહાડ તૂટી પડતા 36લોકોના મૃત્યુ થયા છે.
રાયગઢના કલઈ ગામમાં ભૂસ્ખલનના કારણે 70થી વધુ લોકો ગુમ છે. રાયગઢમાં તલઈ ગામમાં પહાડનો કેટલોક ભાગ રહેણાંક વિસ્તાર પર પડતા 35 ઘર દબાઈ ગયા છે. આ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ થયા છે.અન્ય લોકો હાલ પણ ફસાયેલા છે.રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ બની રહી છે. અનેક જિલ્લા પાણીથી ભરાઈ જવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંકણ રેલ રૂટ પર સર્વિસ ઠપ થવાના કારણે 6000 યાત્રીઓ ફસાઈ ગયા છે. રત્નાગિરિ જિલ્લામાં વરસાદના કારણે રેલ સર્વિસ બંધ થઈ હતી. અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. સતારાના અંબેઘર ગામમાં પણ લેન્ડ સ્લાઈડિંગ થયું. અહીં 8 લોકોના મૃત્યુ થયા છે. કાટમાળની નીચે લગભગ 20 લોકો દબાયેલા છે.
મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે. અહીં ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર પરિસરમાં વરસાદના પાણી ઘૂસ્યા છે. મંદિરના ગર્ભગૃહ સહિત મંદિર બહાર પણ જળબંબાકારની સ્થિતિ છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રના ચિપલૂણ, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાળ, હિગોલી જિલ્લામાં ભારે વરસાદ થયો છે.