જામનગર ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરાયેલ સ્પેશિયલ ડ્રાઇવમાં ઓવર સ્પિડીંગ કરતાં, ઘોંઘાટ કરતા વાહનચાલકો વિરૂઘ્ધ કાર્યવાહી અંતર્ગત 35 થી વધુ વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ જામનગર શહેર વિસ્તારમાં ઓવર સ્પીડીંગ કરતા સ્પોર્ટસ બાઇક અને વધુ ધોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ફાયર સાઇલેન્સરવાળા મોટરસાયકલ ચાલકો વિરૂઘ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે અન્વયે પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ટ્રાફિક શાખાના પીઆઇ એમ. બી. ગજ્જરની આગેવાની હેઠળ પીએસઆઇ એ. એચ. ચોવટ, બી. જે. તિરકર, એએસઆઇ રાજુભાઇ જોગલ, હે.કો. મનોહરસિંહ ઝાલા તથા સત્યજિતસિંહ વાળા સહિતના સ્ટાફ દ્વારા જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પે. ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં ઓવર સ્પીડીંગ કરતાં સ્પોર્ટસ બાઇક તથા વઘુ ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદૂષણ કરતાં બૂલેટ સહિત 35 થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.


