જામનગર શહેરમાં શનિ-રવિના દિવસોમાં વધુ 80 ગૌવંશના મૃત્યુ નીપજતા મહાનગરપાલિકા દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી હતી. જ્યારે ગૌવંશની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલી જુદી જુદી સાત જેટલી ટીમો દ્વારા ગાયોને રસીકરણ તેમજ સારવાર સહિતની પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે. જેમાં આજે વધુ 4 ટુકડીઓનો પણ ઉમેરો કરાયો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વિસ્તારમાં લમ્પિ વાયરસના કારણે 800થી વધુ ગૌવંશના મૃત્યુ થઈ ગયાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે શનિવારે વધુ 46 જ્યારે રવિવારે 34 સહિત 80 ગૌવંશના મૃત્યુ થયા છે અને મહાનગરપાલિકા દ્વારા ઠેબા ચોકડી પાસે મોટા ખાડાઓ બનાવી તેની અંતિમવિધિ કરવામાં આવી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા ઠેબા ચોકડી નજીક સ્થળની મુલાકાત સમયે ખાડામાં અનેક ગાયોના મૃત્યુ પડેલા જોવા મળ્યા હતા, અને કુતરાઓ મૃતદેહને ચુંથી રહ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું જેથી તેમણે આક્રોશ વ્યક્ત કરી મહાનગરપાલિકાના તંત્ર તેમજ સત્તાધીશ ભાજપના સભ્યોની જાટકણી કાઢી છે. અગાઉ પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ફરિયાદ કરી હતી પરંતુ તંત્ર દ્વારા હજુ કોઈ પણ પ્રકારની દરકાર કરવામાં આવી ન હોવાની રજૂઆત સાથે રોષ ઠાલવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા લમ્પિગ્રસ્ત ગાયોની સારવાર માટે પશુપાલન વિભાગના સહયોગથી નવી હેલ્પલાઇન 9099112101 નંબર પર રવિવારના દિવસે મળેલી 167 ફરિયાદો પૈકી 43 ફરિયાદમાં મહાનગરપાલિકાની ટીમને ફોગટ નો ફેરો થયો છે અને ત્યાં સ્થળ પર આવી કોઈ ગાય જોવા મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલી જુદી જુદી ટીમ કાર્યરત બની છે જેના ભાગરૂપે રવિવારના દિવસે જ મહાનગરપાલિકાના કંટ્રોલરૂમમાં 167 ફરિયાદો આવી હતી. જેમાં 43 ફરિયાદ એવી હતી કે જે ફરિયાદના નિકાલ માટેની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ગાય તે વિસ્તારમાં ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જામનગરના જાગૃત નાગરિકોએ આ બાબતે ખાસ તકેદારી રાખવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, ડી.એમ.સી.એ.કે.વસ્તણી તેમજ સીટી ઇજનેર ભાવેશ જાની દ્વારા અનુરોધ કરાયો છે.