દેશના અર્થતંત્ર માટે ખૂબજ મહત્વનું એવું ઋૈત્યનું ચોમાસું આજે અથવા તો આવતીકાલે કેરળના કાંઠે પહોંચી જશે. આ સાથે જ દેશમાં ચોમાસાની શરૂઆત થઇ જશે. જો કે, હવામાન વિભાગ દ્વારા આ અંગે હજુ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવામાન વિભાગે 4 જૂન આસપાસ કેરળમાં ચોમાસું બેસવાની અગાઉ આગાહી આપી છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આંદામાન ટાપુ પર સ્થિર રહેલું ચોમાસું છેલ્લા બે દિવસમાં ઝડપભેર આગળ વધ્યું છે. જેને કારણે કેરળ અને કર્ણાટકમાં કાંઠાળ વિસ્તારોમાં બે દિવસથી ચોમાસા પહેલાંનો વરસાદ વરસી રહ્યો છે. સેટેલાઇટ ઇમેજના કેરળ અને કર્ણાટક ઉપર વાદળોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદનો પ્રારંભ થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
15 જૂનથી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ શરૂ થશે. કાલે કેરળમાં પ્રવેશ્યા બાદ 5 જૂન સુધીમાં ચોમાસું તમિલનાડુમાં પ્રવેશ કરશે. પાંચ જૂને તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદની પધરામણી થશે. 10 જૂને ચોમાસું મહારાષ્ટ્ર અને તેલંગાણા સુધી પહોંચી જશે. બાદમાં 15 જૂનથી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ શકે છે.
20 જૂનથી રાજસ્થાન, હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. 8 જુલાઈ સુધી દેશમાં સારો વરસાદ વરસી શકે છે. જો કે આ વખતે ચોમાસું બેસવામાં એક દિવસનો વિલંબ થયો છે. 19 મેથી 26 મે સુધી ચોમાસું આંદામાન-નિકોબાર ટાપુ પર સ્થિર હતુ. જે વરસાદના વિલંબના સંકેત હતા. મહત્વનુ છે કે 29 મે બાદ દક્ષિણ-પશ્ચિમ મોનસૂને ઝડપ પકડી લીધી છે.