આગામી સમયની લોકસભા ચુંટણી પુર્વે રાષ્ટ્રીય અને રાજય કક્ષાના મહત્વના પ્રોજેકટ સંપન્ન થવામાં સતત વધી રહેલી ‘ડેડલાઈન’થી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠકમાં હવે આ પ્રકારના પ્રોજેકટની સમીક્ષા કરી તે તમામ જેઓ વિલંબથી ચાલી રહ્યા છે તે તા.26 જાન્યુ. 2024 પુર્વે પુરા થાય તે જોવા સૂચના આપી છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ચુંટણી તેના શેડયુલ મુજબ એપ્રિલ-મે 2024ના યોજાય તે રીતે હાલ તમામ તૈયારીઓ ચાલી રહી છે અને વડાપ્રધાન આ તમામ પ્રોજેકટના લોકાર્પણની હારમાળા સર્જવા માંગે છે. જેથી 2024ની ચુંટણીમાં મોદી સરકારની કામગીરીનો મેગા-શો યોજાઈ શકે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે બપોર બાદ પુર્ણ કેબીનેટ ‘કાઉન્સીલ ઓફ મીનીસ્ટ્રી’ની બેઠક યોજી હતી અને તેમાં વિઝન-2047ના ભાગરૂપે 2024 સુધીના આયોજનો આ ભાર મુકયો હતો અને આ બેઠકમાં કેટલાક ટોચના અધિકારીઓને પણ હાજર રખાયા હતા તથા ફકત ફાઈલો નહી જમીન પર વાસ્તવિકતા દેખાય તેના પર વડાપ્રધાને ભાર મુકયો હતો. આ ઉપરાંત આગામી સમયમાં કેન્દ્ર સરકાર હવે ફરી નાના-એકમો માટે લોનમેળા યોજશે.
ભારતીય બેન્કોની હાલત હવે ખૂબજ તંદુરસ્ત થઈ છે. રૂા.2000ની નોટોની ‘રીઝર્વ બેન્ક વાપસી’ થી બેન્કોની ડિપોઝીટ પણ વધી છે અને તેમાં હવે અર્થતંત્રને પુશઅપ કરવા માટે જે વિરાટકાય પ્રોજેકટ પર કામકાજ થઈ રહ્યું છે. તેમાં હવે નાના ઉદ્યોગોની નાના-વ્યાપારીઓની ભાગીદારી વધે તે પણ જોવામાં આવી રહ્યું છે અને તેથી હવે પસંદગીના ક્ષેત્રો માટે નાના પાયાના લોન મેળા યોજાશે અને આ સાથે સરકારની હાલની જે યોજનાઓ છે તેની અસરકારક અને ઝડપી રીતે લોકોને મળે તે જોવા પણ મોદીએ ભાર મુકયો હતો.
સંસદનું ચોમાસુ સત્ર પણ શરૂ થઈ રહ્યું છે અને મોદી સરકારમાં ફેરબદલની ચર્ચા છે અને આ બેઠકમાં જે રીતે વડાપ્રધાને તે તરફ કોઈ આડકતરો સંકેત પણ આપ્યો નથી તે અનેક માટે રાહત હતી. આ બેઠકમાં વ્યાપારમંત્રી પીયુષ ગોયલ તથા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ પટેલે પણ સંબોધન કર્યુ હતું. આ બેઠકમાં જે વિઝન 2047 રજુ કરાયું તે માર્ગ તથા ઈન્ફ્રા ક્ષેત્રનાજ જે 500 પ્રોજેકટ છે તેનું આગામી 7-8 માસમાં લોકાર્પણ થશે અને આ તમામ પ્રોજેકટની સમીક્ષા કરી તેને જાન્યુ. અંત સુધીમાં પુરા કરવાની તાકીદ કરી હતી.