આવતીકાલથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(ડબ્લ્યુઇએફ)ના આયોજિત થનારા પાંચ દિવસના ઓનલાઇન દાવોસ એજન્ડા સમિટના પ્રથમ દિવસ સોમવારે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વિશ્ર્વ સ્થિતિ વિષય પર વિશેષ સંબોધન કરશે. ઉલ્લેખનિય છે કે દાવોસ એજન્ડા સમિટનું આયોજન સતત બીજા વર્ષે ઓનલાઇન કરવામાં આવી રહ્યું છે. સમિટની શરૂઆત સોમવારે જિનપિંગના સંબોધનની સાથે થશે. ત્યારબાદ બે વર્ચ્યુઅલ સેશન હશે જેમાં પ્રથમ કાવિડ-19 પર અને બીજું ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ટેકનોલોજી સહયોગ પર હશે. મોદીનું વિશેષ સંબોધન સાંજે થશે. ત્યારબાદ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સંબોધન કરશે. ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ અને જાપાનના વડાપ્રધાન કિશિદા ફુમિયો મંગળવારે સંબોધન કરશે. કાર્યક્રમની જાહેરાત કરતા ડબ્લ્યુઇએફએ જણાવ્યું હતું કે દાવોસ એજન્ડા 2022 એવું પ્રથમ વૈશ્વિક મંચ છે જ્યાં વિશ્વના અગ્રણી નેતાઓ 2022 માટે પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરશે. આ કાર્યક્રમનો વિષય વિશ્વની સ્થિતિ છે. બુધવારે જર્મનીના જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કૂલ્ઝ સંબોધન કરશે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન અને ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિકોકો ગુરૂવારે સંબોધન કરશે.