જામનગરમાં પ્રાચિન અર્વાચિન ગરબી મહોત્સવમાં નવરાત્રિ મહોત્સવની ઉજણી થઈ રહી છે. પ્રાચિન ગરબીઓમાં બાળાઓ દ્વારા માતાજીની આરાધના થઈ રહી છે. તો બીજી તરફ અર્વાચિન નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે.
જામનગર શહેરમાં રંગતાલી ગુ્રપ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશ સાથે એમ.પી.શાહ કોમર્સ કોલેજના મેદાનમાં સહિયર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રીટાબેન સંજયભાઈ જાની આયોજિત આ સહિયર નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ દાંડિયાના સૂર સાથે રાસ ગરબા રમી રહ્યા છે. બે વર્ષના કોરોના કાળ બાદ નવરાત્રિ મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી હોય ખેલૈયાઓ મનમૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. છેલ્લાં બે થી ત્રણ માસથી વિવિધ દાંડિયા કલાસીસોમાં દાંડિયાની પ્રેકિટસ કરી નવ દિવસ સુધી નવરાત્રિ મહોત્સવમાં ધૂમ મચાવી રહ્યા છે. પંચિયા રાસ, ચોકડી રાસ, તાલી રાસ, ફ્રી સ્ટાઈલ સહિતના વિવિધ ગુ્રપમાં ખેલૈયાઓ રમી ઈનામ જીતી રહ્યા છે. પ્રિન્સ તથા પ્રિન્સેસ સહિતના ઈનામોની વણઝાર થઈ રહી છે.
આ ઉપરાંત જામનગર શહેરની ભાગોળે ઠેબા ચોકડી નજીક આવેલ સમરસ હોસ્ટેલની સામે ગ્રીનવિલા ફાર્મમાં કુમ કુમ નવરાત્રિ મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજય પટેલ, સાગર પટેલ, કિશન ચુડાસમા, ધર્મેશ પટેલ, ભાવેશ પટેલ આયોજિત આ કુમકુમ નવરાત્રિ મહોત્સવમાં 80 હજાર વોલ્ટની ડી.જે.લાઈવ સિસ્ટમમાં વૈશાલી આહિર, નવિન ભાટ્ટી, ચંદ્રિકા પટેલ, સતિષ ગોંડલિયા તથા જીતુપુરી બાપુ સહિતના ગાયકોના સૂર સાથે ખેલૈયાઓ પારિવારિક માહોલમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. 26 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી આયોજિત આ નવરાત્રિ મહોત્સવમાં ઈનામોની વણઝાર વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ઝુમી રહ્યા છે.
અર્વાચિન નવરાત્રિ મહોત્સવની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ નવરાત્રિના રંગે રંગાયા છે. જામનગર શહેરમાં આવેલ આયુર્વેદ યુનિવર્સિટી ખાતે આઈ.ટી.આર.એ. ના વિદ્યાર્થીઓ દ્વારા પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદ યુનિવર્સિટીના અને આઇ.ટી.આર.એ.ના વિદ્યાર્થીઓ ગરબે રમી રહ્યા છે અને નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે.