જામનગરના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને રનિંગની પ્રેક્ટિસ માટે મેદાનની જરૂરિયાત હોય ધારાસભ્ય રીવાબા જાડેજા યુવાનોની વહારે આવતા યુવાનોને રનિંગની પ્રેક્ટિસ માટે આયુર્વેદ પાસે આવેલું ગ્રાઉન્ડ તેયાર કરાવી આપ્યું હતું.
જામનગરના વિદ્યાર્થી યુવાનો કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતાં. તેઓેને પોલીસ, આર્મી સહિતની ભરતીઓ માટે દોડની પ્રેક્ટિસ કરવા માટે મેદાનની જરૂરિયાત હતી પરંતુ હાલમાં આયુર્વેદ પાસે આવેલું મેદાન અસમથળ હોવાથી યુવાનો પ્રેક્ટિસ કરી શકતા ન હતાં. આથી યુવાનો દ્વારા આ અંગે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે રીવાબા જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને રજૂઆતને ધ્યાને લઇ તાત્કાલિક જેસીબી મશીન તથા અન્ય મશીનરીઓ મદદ માટે મોકલી ગ્રાઉન્ડને સમથળ કરાવી આપ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોની વ્હારે રીવાબા આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થઈ હતી. જેથી તમામ યુવાઓએ ધારાસભ્ય રીવાબા જાડેજાનો આભાર વ્યકત કર્યો હતો. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા પણ શિક્ષણ સહિતના કોઇપણ કાર્યો માટે જ્યારે પણ મદદની જરૂર હોય તુરંત જ સંપર્ક સાધવા માટે અનુરોધ કર્યો હતો.