Saturday, April 18, 2026
Homeરાજ્યહાલારસગીરા ઉપર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવનાર આરોપી અને માતાને સખત કેદ

સગીરા ઉપર દુષ્કર્મ આચરી સગર્ભા બનાવનાર આરોપી અને માતાને સખત કેદ

દ્વારકામાં બનેલી ઘટનામાં માતા-પુત્રને 20 વર્ષની સજા : ભોગ બનનારને રૂા. 11 લાખનું વળતર ચૂકવવા હુકમ : દ્વારકા સ્પેશિયલ કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

દ્વારકા વિસ્તારમાં રહેતી એક સગીરા પર વર્ષ 2022 ના સમયગાળા દરમિયાન એક શખ્સ દ્વારા પોતાના ઘરે દુષ્કર્મ ગુજારી તેણીને સગર્ભા બનાવવા સબબ આરોપી શખ્સ તથા મદદગારી કરવા સબબ તેના માતાને પણ દ્વારકાની અદાલતે 20 વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને દ્વારકાના રહીશ એવા આસિફ સત્તારભાઈ બેતારા નામના શખ્સ દ્વારા તા. 6 ઓક્ટોબર 2022 થી તારીખ 6 જૂન 2023 સુધીના સમયગાળા દરમિયાન અવારનવાર પોતાના ઘરે બોલાવીને તેણીની મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી, ગર્ભ રાખી દીધો હતો. આરોપી આસિફ સત્તાર બેતારાએ ભોગ બનનાર સાથે પ્રથમ વખત શરીર સંભોગ કર્યો હોવા અંગેની જાણ તેણીના માતા નૂરજહાંબેન સત્તાર વલીમામદ બેતારાને થઈ હોવા છતાં પણ નૂરજહાંબેનએ આરોપી આસીફને અટકાવવાનો પ્રયાસ કરવાના બદલે બનનાર સગીરાને આ બાબતે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં, બનનારને બીજા દિવસથી તે જ મુજબ તેણીના ઘરે આવવા ધમકી આપી આરોપી આસીફ સત્તાર બેતરાને ગુનો આચરવામાં દુષ્પ્રેરણા આપી હતી. ત્યાર બાદ મદદગારી કરવા અને ગુનો છુપાવવા માટે ભોગ બનનારનો ગર્ભ પડાવી નાખવા માટે તેણી સગીરાને અલગ અલગ હોસ્પિટલમાં લઈ જઈ અને આ બાબતે જો કોઈને જાણ કરશે તો ભોગ બનનારને તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ વધુમાં જાહેર થયું હતું.

આ અંગેનો કેસ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ સહિતની જુદી જુદી ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી ઈન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા તપાસના અંતે ગુનાનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસ દ્વારકાની એડિશનલ સેશન્સ અને સ્પે. પોક્સો કોર્ટના જજ કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, ભોગ બનનાર, મેડિકલ ઓફિસર, તપાસનીસ અધિકારી તથા અન્ય મહત્વના સાહેદોની જુબાની તથા સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રહ રાખી, નામદાર અદાલતે આરોપી આસીફ સત્તાર બેતારાને તકસીરવાન ઠેરવી, જુદી જુદી કલમ હેઠળ 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10,000નો દંડ તથા આરોપી નૂરજહાંબેન સત્તાર વલીમામદ બેતારાને પણ પોક્સો સહિતના જુદા જુદા ગુનામાં 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 15,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -

આ સાથે ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે રૂપિયા 11 લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular