જામનગર જિલ્લાના ઉદ્યોગોને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા આયોજિત જામનગર ટેક ફેસ્ટ-2022માં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને 250 સ્ટોલના માધ્યમથી 2 લાખથી 50 લાખ સુધીના મશીનો એક જ સ્થળે મળી રહે તેવા આયોજનને બિરદાવ્યું હતું.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યુ હતુ કે, જામનગર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ આ ટેક ફેસ્ટના માધ્યમથી નવી ઊંચાઈઓને આંબશે જામનગરના નાના મોટા તમામ ઉદ્યોગોને આ સ્થળેથી રાષ્ટ્રીય કક્ષાનુ પ્લેટફોર્મ મળી રહેશે. સમગ્ર દેશમાંથી આ ટેક ફેસ્ટમાં વિવિધ ઔદ્યોગિક એકમોએ ભાગ લીધો છે ત્યારે જામનગરનો બ્રાસ ઉદ્યોગ નવી ટેકનોલોજીથી માહિતગાર બનશે તેમજ વૈશ્વિકસ્તરની હરીફાઈમાં ટકી રહેવા સક્ષમ બનશે. આ તકે મંત્રીએ વિવિધ ઔદ્યોગિક સ્ટોલની મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજન બદલ જામનગર જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ એસોસીએશન તથા લઘુ ઉદ્યોગ ભારતીના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.