જામનગર શહેર અને જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર આચરવામાં આવતી ખનિજ ચોરી ઝડપી લેવા કામગીરી અંતર્ગત ડ્રોન સર્વેલન્સે જામનગર-ખંભાળિયા રોડ પરના વિસ્તારમાંથી ચાર ડમ્પરને ઝડપી લઇ પડાણા પોલીસને સોંપી આપવામાં આવ્યા હતાં.
દરોડાની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં ઠેક-ઠેકાણે ખનિજ ચોરી થતી હોય છે અને ખનિજ ચોરો બેખોફ ખનન કરી જતાં હોય છે. ખનિજ ચોરી ડામવા માટે જામનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા ડ્રોન સર્વેલન્સ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી ડ્રોનના કારણે થતી ખનિજ ચોરી અટકાવી શકાય તે માટે તપાસ આરંભી હતી. દરમિયાન જામનગરના ભૂસ્તર શાસ્ત્રી સુભાષ બી. જોશીની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર રોહિતસિંહ જાદવ, માયઇન્સ સુપરવાઇઝર અનિલ વાઢેળ તથા પ્રતિક બારોટ તેમજ ટીમના સભ્યોએ ગઇકાલે સાંજના સમયે જામનગર-ખંભાળિયા માર્ગ પર ડ્રોન સર્વેલન્સની મદદથી બિનઅધિકૃત વાહન કરાતા સ્થળેથી રેઇડ દરમિયાન ચાર ડમ્પરો કબજે કરી રૂા. 4,73,000નો દંડ વસુલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત ડમ્પર ચાલકો વિરુધ્ધ પડાણા પોલીસમાં વિધિવત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.