ખંભાળિયાના જાણીતા મહિલા ગાયક કલાકારની ફેક આઈડી બનાવી અને કોઈ શખ્સો દ્વારા તેમાં કેટલાક ફોટા અને અભદ્ર લખાણ શેર કર્યું હોવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે જુદા-જુદા વિસ્તારમાં રહેતા પાંચ તરૂણ તેમજ આઠ શખ્સો મળી કુલ 13 આરોપીઓને ઝડપી લીધા હતા.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતા ભૂમિબેન નારણભાઈ નંદાણીયા – ભૂમિબેન આહીર નામના ગાયક કલાકાર દ્વારા થોડા સમય પૂર્વે અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં જણાવાયા મુજબ કોઈ શખ્સોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે અલગ ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમના સ્ટેજ પ્રોગ્રામના વિડીયો અને અંગત વીડિયોમાં એક કોર્નરમાં નાની સાઈઝમાં કોઈ અન્ય યુવતી તથા યુવાનનો બિભત્સ અશ્લીલ વિડીયો મૂકીને આ વિડીયો તેમનો જ હોય તેવા લખાણ કરી, આ બિભત્સ અશ્લીલ વિડીયો તેમજ મોર્ફ કરેલા અશ્લીલ ફોટાઓ વાયરલ કરવામાં આવ્યા હતા. આ શખ્સોએ ફરિયાદી ગાયક કલાકાર ભૂમિબેન આહીરને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવા અંગેની ફરિયાદના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લા સાયબર ક્રાઇમ સેલના પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ તપાસના અંતે આ પ્રકરણમાં ટેકનિકલ માહિતીઓ એકત્ર કરી અને ઝડપાયેલા આરોપીઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના માળી તાલુકાના રહીશ દેવેન્દ્રસિંહ હસમુખભાઈ ચાવડા (ઉ.વ. 21), બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વિષ્ણુ ગમનભાઈ મકવાણા (ઉ.વ. 18), પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના મનોજ મહેન્દ્રભાઈ વાઘેલા (ઉ.વ. 28), દાહોદના વિજય નરવતભાઈ મુનિયા (ઉ.વ. 21), બનાસકાંઠા જિલ્લાના સુઈગામના પ્રકાશ ધનજી ચૌહાણ (ઉ.વ. 18), ડીસા તાલુકાના રાહુલ પોપટભાઈ છત્રાલિયા (ઉ.વ. 19), બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના હિતેશ રમેશજી ઠાકોર (ઉ.વ. 18) અને લાખણી તાલુકાના માનસંગ શ્રવણભાઈ સોલંકી (ઉ.વ. 19) નામના આઠ શખ્સો ઉપરાંત અન્ય પાંચ કાયદાથી સંઘર્ષિત કિશોરો મળી કુલ 13 શખ્સોની આ પ્રકરણમાં સંડોવણી હોવાનું ખુલવા પામ્યું છે.
આ પ્રકરણમાં પોલીસે આઠ નંગ મોબાઈલ ફોન તેમજ 2 વાઇ-ફાઇ રાઉટર સહિતના મુદ્દામાલ સાથે આઠ આરોપીઓની અટકાયત કરી, આગળની તપાસ પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી સાયબર ક્રાઇમના પી.આઈ. કોઠીયા સાથે પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, એસ.વી. કાંબલીયા, પી.બી. શ્રીમાળી, એસ.કે. બારડ, ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેસરિયા, ભરતભાઈ, હેભાભાઈ, રાજુભાઈ, મુકેશભાઈ, અજયભાઈ, દિવ્યરાજસિંહ, અલકાબેન તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
કોઈપણ વ્યક્તિ અને ખાસ કરીને સ્ત્રીઓને કોઈ શખ્સો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં કે ઈન્સ્ટાગ્રામ મારફતે છેડતી કે પરેશાન કરવામાં આવે તો તેઓએ તાકીદે જિલ્લા સાયબર ક્રાઇમ સેલ કે સ્થાનિક પોલીસનો સંપર્ક સાધવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા અનુરોધ કરાયો છે.