રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વિવિધ જગ્યાઓ પર આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા 25 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાત બહાર પણ 15 જગ્યાએ તપાસ શરુ કરવામાં આવી છે.
આજે વહેલી સવારે જ આઈટી વિભાગના અધિકારીઓએ અમદાવાદની બે નામાંકિત કંપનીઓ રત્નમણી મેટલ્સ અને એસ્ટ્રલ પર દરોડા પાડ્યા છે. આ બે કંપનીઓ સહીત અમદાવાદમાં એક સાથે 25 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે. ASTRAL પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં તપાસ હાથ ધરાઇ છે તો બીજી બાજુ રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે. આ બંને કંપનીનાં અન્ય ડાયરેક્ટરોને ત્યાં પણ ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.
ઇન્કમટેક્ષનાં 150થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપનીઓ સાથે સંકળાયેલા મોટા માથાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે. શહેરના સિંધુભવન રોડ પર આવેલી આ મોટી ઓફીસ પર મોડી રાતથી આઈટીના અધિકારીઓએ બેનામી મિલકતોની માહિતી મેળવવા માટે તપાસ શરુ કરી છે. આ અગાઉ આઈટીના અધિકારીઓએ 18 નવેમ્બરના રોજ રસાયણ તેમજ રીયલ એસ્ટેટની કંપની પર દરોડા પાડી 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા હા. ત્યારે આજે રોજ પણ મોટા પાયે બેનામી વ્યવહારો મળી શકે છે.