કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને લઇને ગૃહ મંત્રાલયે મંગળવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટ મુજબ વિતેલા ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં વધારો નોંધાયો હતો.
આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા જારી રિપોર્ટના આંકડા દર્શાવે છે કે, વર્ષ 2020માં યુદ્ધવિરામ ભંગની 5133 ઘટનાઓ સામે આવી, જેમાં સુરક્ષા દળોના 24 જવાન શહીદ થયા અને 126 જવાન ઘાયલ થયા હતા. આ ઘટનાઓમાં 22 સામાન્ય નાગરિકોના મોત થયા જ્યારે 71 જેટલા ઘાયલ થયા હતા. વર્ષ 2019માં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા યુદ્ધવિરામ ભંગની 3479 ઘટનાઓ નોંધાઇ હતી, જેમાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થયા હતા અને 18 સામાન્ય નાગરિકોનો જીવ ગયો હતો. વર્ષ 2018માં યુદ્ધવિરામની કુલ 2140 ઘટનાઓ સામે આવી હતી.
આ સિવાય આતંકી હુમલાઓના આંકડા દર્શાવે છે કે 2020માં આતંકી હુમલાઓની સંખ્યા 244 હતી જે અન્ય વિતેલા વર્ષોની સરખામણીએ ઓછી હતી. આ આતંકી હુમલાઓમાં સુરક્ષા દળોના 62 જવાનો શહીદ થયા હતા. જ્યારે 37 નાગરિકોના મોત થયા હતા. જોકે સુરક્ષા દળોએ આ વર્ષ દરમિયાન 221 આતંકીઓનો સફાયો કરવામાં સફળતા મેળવી હતી. વર્ષ 2018 દરમિયાન પ્રદેશમાં 614 આતંકી હુમલા થયા હતા જેમાં ભારતીય સેનાના 91 જવાન શહીદ થયા હતા અને 39 નાગરિકોના મોત થયા હતા.
આંકડાઓ મુજબ વિતેલા 3 વર્ષમાં થયેલા આતંકી હુમલાઓમાં ભારતીય સેનાના 305 જવાન શહીદ થયા હતા. આ વર્ષો દરમિયાન સુરક્ષા દળોએ કુલ 635 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. રિપોર્ટ એમ પણ ખુલાસો કરે છે કે કેટલાક સમયથી, ખાસ કરીને આર્ટીકલ 370ની જોગવાઇઓ હટાવ્યા પછી પ્રદેશમાં આતંકવાદ સક્રિય થયો હતો.