જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રિસામણે બેસેલી પત્ની પાસેથી પુત્રને લઇ જવા બાબતે આવેલા પતિએ સસરાના ઘરના દરવાજા સાથે બોેલેરો અથડાવી, ગાળાગાળી કરી, સસરાને છરી બતાવી, મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં આયદાનભાઇ જીવાભાઇ ભોગરા (ઉ.વ.60) નામના વૃદ્ધની પુત્રી મીતલબેન તેના પુત્ર દેવ સાથે એક મહિનાથી માવતરે રિસામણે બેઠી હતી. પત્ની પુત્ર સાથે રિસામણે બેઠી હોય જે બાબતનો ખાર રાખી ટંકારા તાલુકાના ગજડી ગામના નાગજી માણંદજારિયા નામના શખ્સે બે દિવસ પહેલાં સોમવારે સાંજના સમયે જીજે03-ડીવાય-7384 નંબરની તેની બોલેરો પીકઅપ વાન સાથે આવી સસરાના ઘરના દરવાજા સાથે બોલેરો અથડાવી હતી. તેના પુત્ર દેવને લઇ જવા માટે વૃદ્ધ સસરાને છરી બતાવી, ગાળાગાળી કરી, મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વૃદ્ધ સસરા દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. એલ. ચીહલા તથા સ્ટાફએ શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


