જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજથી જૈન ધર્મના પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. મૂર્તિ પુજક સંઘોમાં આજથી અને સ્થાનિકવાસી સંઘોમાં આવતીકાલથી પર્યુષણ શરૂ થઈ રહ્યા છે. આ મહાપર્વ દરમિયાન જપ-તપ અને આરાધનાની હેલીના દર્શન થશે. આઠ દિવસ સુધી શહેરના વિવિધ જિનાલયોમાં વ્યાખ્યાન અને ઘી ની ઉછામણી તથા પ્રતિક્રમણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જામનગરના શેઠજી દેરાસરમાં પર્યુષણ પર્વના આઠ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે તેમજ જિનાલયોને રોશનીની શણગારવામાં આવ્યા છે. પર્યુષણ પર્વ દરમિયાન ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ યોજવામાં આવે છે અને ભગવાન મહાવીરના જીવન પ્રસંગોનું વાંચન કરવામાં આવે છે.