જામનગર જિલ્લાના છ તાલુકાની 119 ગ્રામ પંચાયતોની મત ગણતરી સંપન્ન થઇ છે. બેલેટ પેપરને કારણે મત ગણતરી મોડી રાત સુધી ચાલુ રહી હતી. ગણતરી બાદ 119 ગ્રામ પંચાયતના સરપંચો અને વોર્ડના સભ્યોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. મત ગણતરી કેન્દ્રો બહાર ઉમેદવારોના સમર્થકોમાં ગઇકાલે દિવસભર ભારે ઉત્તેજનાનો માહોલ રહ્યો હતો. જેમ-જેમ પરિણામો આવતા ગયા તેમ-તેમ સમર્થકોમાં ઉત્સાહ વધતો ગયો હતો. ઢોલ-નગારા સાથે વિજેતા ઉમેદવારોને ખાસ કરીને સરપંચ પદના વિજેતા ઉમેદવારના વધામણા કરવામાં આવ્યા હતા. ચૂંટણી તંત્ર દ્વારા મોડી રાત્રે ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોના નામો ગેજેટમાં પ્રસિધ્ધ થયા બાદ તેઓ સત્તાનું સુકાન સંભાળી શકશે. આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ થશે.



