જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલા જેટકો કંપનીનું ટ્રાન્સફોર્મર રીચાર્જ કરતા સમયે અચાનક ધડાકો થતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયેલા લાઈનમેન પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નાગનાથ ગેઈટ બહાર આવેલા માહેશ્વરીનગર પ્લોટ નં.1 માં રહેતાં અને જેટકો કંપનીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા માલશીભાઈ બાનાભાઈ ડગરા (ઉ.વ.57) નામના પ્રૌઢ ગત તા.30 નવેમ્બરના રોજ બપોરના સમયે જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલા જેટકો કંપનીનું ટ્રાન્સફોર્મર રીચાર્જ કરતાં હતાં તે દરમિયાન અચાનક ધડાકો થતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં ત્યારબાદ દાઝી ગયેલા પ્રૌઢ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મંગળવારે સાંજના સમયે તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર મયુરભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.