દેવભૂમિ દ્વારકા પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દીપડાએ દેખા દેતાં આ વિસ્તારના લોકોમાં ભયની સાથે ફફડાટ ફેલાઇ ગયો છે. બે દિવસ પહેલાં સીસીટીવીમાં કેદ થયા બાદ વનવિભાગની ટીમ હરકતમાં આવી ગઇ છે અને ટાટા કેમિકલના સિમેન્ટ પ્લાન્ટમાં દીપડો હોવાની આશંકાએ બે પાંજરા મૂકી દીપડાને ઝડપી લેવા વનવિભાગ સક્રિય બની ગયું છે.
મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી દીપડો આંટાફેરા કરતો હોવાના અહેવાલો મળી રહ્યાં હતા. દરમ્યાન મીઠાપુરમાં ટાટા કેમિકલ લિમિટેડના સિમેન્ટ પ્લાન્ટ પાસે આવેલા બગીચાના વિસ્તારમાં તા. 1 અને 2 નવેમ્બરના રોજ સીસીટીવી કેમેરામાં દીપડો સ્પષ્ટ રીતે દેખાયો હોવાથી વનવિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઇ હતી. દીપડાની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વનવિભાગની ટીમ દ્વારા દીપડાને ઝડપી લેવા સિમેન્ટ પ્લાન્ટમાં બે પાંજરા મુકવામાં આવ્યા છેે. વનવિભાગની ટીમ દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, સીસીટીવીમાં કેદ થયા બાદ દીપડાના તાજા ફૂટમાર્ક મળી આવ્યા નથી. તેમ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ વિસ્તારને હાઇએલર્ટમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વનવિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તાકિદ કરાઇ છે. ઉપરાંત દીપડો કોઇપણ એરિયામાં જોવા મળે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવાની સૂચના અપાઇ છે.
દ્વારકા પંથકમાં ત્રણ દિવસ પહેલાં સીસીટીવી ફૂટેજમાં દીપડો નજરે ચઢતાં વનવિભાગની ટીમ દ્વારા મીઠાપુરની ટાટા કેમિકલની સિમેન્ટ ફેકટરી વિસ્તારમાં બે પાંજરા મૂકવામાં આવ્યા છે અને દીપડાએ દેખા દેતા આ વિસ્તારના લોકોમાં ભયની સાથે ફફડાટ પણ ફેલાયેલો છે.


