Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં વૃદ્ધને લુંટીલેનાર આરોપીઓને દબોચી લેતી દ્વારકા LCB

ભાણવડમાં વૃદ્ધને લુંટીલેનાર આરોપીઓને દબોચી લેતી દ્વારકા LCB

બે લાખની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

- Advertisement -
ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે રહેતા એક આહિર વૃદ્ધને રોકડ રકમ લઈને જતાં મોટરસાયકલ આડે અટકાવી, બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે રહેલી રૂપિયા બે લાખની આ રકમ ગત રાત્રે લૂંટીને નાસી જતા આ બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે મુખ્ય ભેજાબાજ એવા ફરિયાદીના સાઢુભાઈના પુત્ર તથા તેના સંબંધી એવા બે લૂંટારૂઓની અટકાયત કરી, મુદ્દામાલ કબજે કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના ચાંદવડ ગામે રહેતા લખમણભાઈ ભીખાભાઈ ચુડાસમા નામના 65 વર્ષના આહિર વૃદ્ધ ગઈકાલે સોમવારે રાત્રિના આશરે આઠેક વાગ્યાના સમયે તેમના મોટરસાયકલ પર બેસી અને ચાંદવડ ગામે જઈ રહ્યા હતા.
વધુમાં વિગત મુજબ લખમણભાઈ ચુડાસમાએ પોતાની જમીનનો સોદો રદ કરતા તેના બદલામાં લેવાના નીકળતા રૂપિયા સાત લાખ પૈકી મળેલા રૂપિયા બે લાખની રોકડ રકમ લઈને તેઓ ભંડારીયા ગામે રહેતા તેમના સાઢુભાઈ દેવશીભાઈ નંદાણીયાની વાડીએથી લઈ અને મોટરસાયકલ પર બેસીને જતા હતા. ત્યારે માર્ગ આડે સુતારીયા ગામની ગોલાઈ પાસેના રોડ પર પહોંચતા લખમણભાઈ ચુડાસમાની મોટરસાયકલ આડે આવેલા આશરે 25 થી 30 વર્ષની ઉંમરના બે શખ્સોએ તેમને આડે બાઇક નાખી અને અટકાવ્યા હતા.
વયોવૃદ્ધ એવા લખમણભાઈની વૃદ્ધાવસ્થાનો ગેરલાભ લઈ, બંને આરોપીઓએ તેમનો કાંઠલો પકડી અને નીચે પછાડી દઈ તેમને મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. બાદમાં તેમણે મોટરસાયકલમાં રાખેલા રૂપિયા બે લાખની રોકડ રકમ ભરેલી થેલી લઈને નાસી છૂટ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે બે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ 392, 394, 341, તથા 114 મુજબ ગુનો નોંધી, આ આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પ્રકરણમાં વધુમાં જાણવા મળતી વિગત મુજબ શરીર પર રેઈનકોટ તથા માથા પર હેલ્મેટ પહેરીને ઢળતી સાંજે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સો જાણભેદુ હોવાની આશંકા બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરતા આ પ્રકરણના આરોપીઓ ફરિયાદી લખમણભાઈના સંબંધી હોવાનું એલસીબી પોલીસના ધ્યાન આવ્યું હતું.
આ પ્રકરણમાં જેના ઘરેથી રોકડ રકમ લઈને ફરિયાદી લખમણભાઈ નીકળ્યા હતા, તે તેમના સાઢુભાઈ દેવશીભાઈનો પુત્ર ભાવેશ ઉર્ફે ભીમો દેવશીભાઈ નંદાણીયાએ પોતાના સગા માસાને લૂંટી લેવાનો કારસો રચ્યો હતો. જે અંતર્ગત ગત રાત્રે ફરિયાદી લખમણભાઈને તેમના સાઢુભાઈના દીકરા ભાવેશે રૂપિયા બે લાખની રોકડ રકમ આપ્યા બાદ તેઓ તેમના ગામ ચાંદવડ ખાતે નીકળતા ભાવેશે તેના બનેવી એવા ખંભાળિયા તાલુકાના કોટડીયા સીમ વિસ્તારમાં રહેતા હમીર મેરામણ ગાગીયાને ફોનથી જાણ કરી દીધી હતી. જેના અનુસંધાને આયોજન મુજબ હમીરે તેના માસીના દીકરા ભાઈ એવા પિન્ટુ રણમલ ચુડાસમા (રહે. સુતારીયા) ને સાથે લઈ, મોટરસાયકલ પર હેલ્મેટ ધારણ કરી, રેઇનકોટ તથા લૂંગી પહેરી અને પહેરવેશ બદલી, આ લૂંટ ચલાવી હતી.
બાદમાં હમીરના ભાણવારી ગામની સીમમાં આવેલા રહેણાંક મકાનમાં પહોંચી ગયા હતા. જ્યાં હમીર તથા પીન્ટુએ રાતવાસો કર્યા બાદ માસાને લૂંટવાનું આયોજન કરનારા મુખ્ય આરોપી અને હમીરના સાળા ભાવેશ ઉર્ફે ભીમો દેવસી નંદાણીયા સવારના પહોંચી જતા આ સમગ્ર ઘટનાનો તાગ મેળવી એલસીબીના એ.એસ.આઈ. કેશુરભાઈ ભાટિયા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ ભરવાડીયા તથા જીતુભાઈ હુણની બાતમીના આધારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને આ સ્થળેથી દબોચી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી લૂંટના રૂપિયા બે લાખ રોકડા તથા રૂપિયા 30,000 ની કિંમતનું જી.જે. 37 એચ. 0766 નંબરનું હીરો હોન્ડા મોટરસાયકલ, રૂ. 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન તેમજ લૂંટ માટે સહારા તરીકે લેવામાં આવેલા હેલ્મેટ અને રેઈનકોટ સહિત કુલ રૂપિયા 2,45,100 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ પ્રકરણમાં આગળની કાર્યવાહી ભાણવડના પી.એસ.આઈ. આર.એ. નોયડાને સોંપવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular