વિસ્ટા કન્સોલ્સ ઇલેકટ્રોનિકસ પ્રા. લિ. દ્વારા સામાજિક ફરજના ભાગરુપે સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી 141 જેટલી શાળાઓમાં કોમ્પ્યુટર સિસ્ટમ સહિતની સુવિધાઓ અર્પણ કરવામાં આવનાર હોય, જેના ભાગરુપે ગઇકાલે 75 શાળાઓમાં આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિસ્ટા કન્સોલ્સ ઇલેકટ્રોનિકસ પ્રા. લિ. દ્વારા ગઇકાલે શાળાઓમાં વિવિધ સાધનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી વિસ્ટા કન્સોલ્સ ઇલેકટ્રોનિકસ પ્રા. લિ. દ્વારા સામાજિક ફરજના ભાગરુપે જામનગર સંસદીય વિસ્તારની વિવિધ 141 શાળાઓમાં સ્વસ્થ અને ડિજિટલ ભવિષ્યના નિર્માણ અર્થે કોમ્પ્યુટર સિસ્ટમ, વુટર કુલર તથા વોટર પ્યોરીફાયર અર્પણ કરવામાં આવનાર છે. જેના ભાગરુપે પ્રથમ તબક્કામાં જામનગર તથા મોરબી જિલ્લાની 75 શાળાઓમાં આ સાધનોના લોકાર્પણનો સમારોહ ગઇકાલે રવિવારે ધનવંતરી ઓડિટોરીયમ ખાતે યોજાયો હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે શાળાઓમાં સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા સહિતના અગ્રણીઓ તેમજ વિસ્ટા કન્સોલ્સ ઇલેકટ્રોનિકસ પ્રા. લિ.ના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.