Saturday, October 12, 2024
Homeરાજ્યઓખામાં સરકારી જમીન ઉપર દબાણ કરવા લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

ઓખામાં સરકારી જમીન ઉપર દબાણ કરવા લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

સાગર માછીમારી મંડળીના પ્રમુખ સામે ફરિયાદ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી આશરે એકાદ માસ પૂર્વે ભાણવડ પંથકમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના જિલ્લાના પ્રથમ ગુના બાદ ગઈકાલે ઓખામાં આ પ્રકારના કડક કાયદાનો બીજો ગુનો નોંધાયો છે. જેમાં સર્કલ ઓફિસરએ ઓખાના એક આસામી સામે દરિયાઈ જેટી બનાવી, સરકારી જમીન પચાવી પાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

- Advertisement -

આ પ્રકરણની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ઓખામાં આવેલા દરિયા કાંઠા વિસ્તારમાં આજથી આશરે દસેક વર્ષ પૂર્વે ઓખાના સ્થાનિક એવા અને શ્રી સાગર માછીમાર મંડળી લિમિટેડ- ઓખાના પ્રમુખ ઈશા ઈશાક સંઘાર દ્વારા દરિયાઈ કિનારા વિસ્તારમાં સરકારી જમીન ઉપર સમયાંતરે નાનું- મોટું બાંધકામ કરી અને જેટી બનાવી લીધી હતી. ઉપરોક્ત આસામી દ્વારા ઓખાના રેવન્યુ સર્વે નંબર 22 પૈકીની જગ્યામાં જેટી બનાવી ત્યાં વહાણ લાંગરવાની કામગીરી કરી અને આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી, આ સરકારી જગ્યા પચાવી પાડવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે ઓખાની મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ઈન્ચાર્જ સર્કલ ઓફિસર રાજુભાઈ કિશનભાઈ વસાવાની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે શ્રી સાગર માછીમાર મંડળી લિમિટેડ- ઓખાના પ્રમુખ ઈશા ઈશાક સંઘાર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 ની કલમ અંતર્ગત ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા લેન્ડ ગ્રેબિંગ વિભાગના રાયટર શક્તિસિંહ જાડેજા અને હરદાસભાઈ ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

જિલ્લામાં ભૂમાફિયા વિરોધી કાયદા અન્વયે આ બીજી ફરિયાદ નોંધાતા જમીન પચાવી પાડતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular