જામનગર-લાલપુર બાયપાસ ચોકડીએ અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આમ તો શહેરના અનેક મુખ્ય માર્ગો પર આ સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ છેલ્લાં થોડા સમયથી લાલપુર ચોકડીએ વાહન વ્યવહાર વધુ હોવાથી અનેક વખત ટ્રાફિક જામ થતો રહે છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય છે. દરમિયાન આજે સવારે વાતાવરણમાં પલ્ટો આવતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. જેના કારણે વિઝિબિલીટી ઓછી થવાથી ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલીના કારણે જામનગરમાં લાલપુર ચોકડી પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને તમામ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.આ ટ્રાફિક જામની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવવા તજવીજ હાથ ધરી હતી.આ માર્ગ પર અવાર-નવાર સર્જાતા ટ્રાફિક જામના કારણે સરકારનો ઓવર બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જેના ઉપર સરકાર પણ ગંભીર વિચારણા કરી રહી છે અને ઓવરબ્રિજ બનાવવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરાઈ છે.