જામનગરના ગોકુલનગર વિસ્તારમાં કનસુમરા ગામના વેપારી યુવાન પર ધોકા અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની ઢીચડાના બે ભાઇઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ આ પહેલાં રૂપિયા પરત નહીં આપતા કરેલ ફરિયાદ અરજીનો ખાર રાખી માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક કનસુમરા ગામમાં અન્ય શાળાની બાજુમાં રહેતાં ઈકબાલ હારુન ખીરા નામના વેપારી યુવાન દ્વારા સીટી સી ડીવીઝનમાં ઢીચડા હુશેની ચોક ખાતે રહેતા ફારુક અલીમામદ ખફી તથા નઝીર ઉર્ફે નેનો અલીમામદ ખફી નામના બે બંધુઓ વિરૂધ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી ઈકબાલ ખીરાએ આરોપી ફારુકને ધંધા તથા મકાન બનાવવા માટે અગિયાર માસ અગાઉ રૂપિયા આપ્યા હતાં જે નાણાં પરત નહીં આપતા આ બાબતે ફરિયાદી એ કરેલી અરજીનો ખાર રાખી તા.05 ના રોજ સાંજે ગોકુલનગર આશાપુરા હોટલ પાસે આરોપી ફારુકે ધોકા વડે ઈકબાલભાઈ ઉપર હુમલો કરી પગમાં ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે નઝીરે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદને આધારે પોલીસ દ્વારા બે શખસો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.