ધ્રોલ તાલુકાના લતીપર ગામના વાડી વિસ્તારમાં રહેતાં આદિવાસી યુવાનના બે લાખ રૂપિયા બાકી હોવાથી સાત જેટલા શખ્સો અપહરણ કરી ગયાની ફરિયાદ ભોગ બનનારની પત્નીએ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામના વાડી વિસ્તારમાં મનિષભાઈ ચભાડિયાની વાડીમાં મજૂરી કામ કરતાં સનિયાભાઇ મોહનીયા નામના આદિવાસી યુવાનની પુત્રી શીલા અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના કુહા ગામમાં રહેતાં મુકેશ મોહન મેહડાના ઘરેથી પરત આવી ગઈ હતી. જેથી સમાધાન પેટે રૂા. બે લાખ મુકેશને ચુકવવાના બાકી હતાં. આ બાકીની રકમ માટે મુકેશ મોહન મેહડા અને છ જેટલા અજાણ્યા સહિતના સાત શખ્સોએ એકસંપ કરી લાકડીઓ ધારણ કરી ઈકો કારમાં આવીને સાનિયાભાઈ જીથરાભાઇ મોહનીયા નામના આદિવાસી યુવાનનું અપહરણ કરી ગયા હતાં. પતિના અપહરણ અંગે રમીલાબેને પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.