Monday, July 6, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા: રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાનું સન્માન

ખંભાળિયા: રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાનું સન્માન

વિશાળ બાઈક રેલ, રક્તદાન તથા સાંસદની રક્તતુલા કરાઈ : સાંસદ પૂનમબેન માડમ, ધનરાજ નથવાણી સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ

રાજ્યસભાના સાંસદ તરીકે તાજેતરમાં બિનહરીફ વરાયેલા ખંભાળિયાના યુવા સક્રિય કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાનો ભવ્ય સરકાર સમારોહ તથા રક્તતુલાનો કાર્યક્રમ ખંભાળિયાવાસીઓ દ્વારા વિશિષ્ટ રીતે યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને સતવારા અગ્રણી સ્વ. મેઘજીભાઈ કણઝારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણઝારીયાને તાજેતરમાં રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ખંભાળિયા માટે ગૌરવરૂપ એવી આ બાબતે ખંભાળિયાના સતવારા સમાજ તેમજ આગેવાનો દ્વારા જીતેન્દ્રભાઈ કણઝારીયાનું સન્માન કરવાનું આયોજન કરાયું હતું. જેને અનુલક્ષીને રવિવારે ખંભાળિયામાં સતવારા સમાજના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં બપોરે અત્રે જામનગર માર્ગ પર આવેલા સિધ્ધનાથ મહાદેવના મંદિર ખાતેથી બાઇક રેલી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં મોટરસાયકલ સાથે સતવારા જ્ઞાતિના આગેવાનો હોદ્દેદારો તેમજ શહેરીજનો વિગેરે મોટી સંખ્યામાં આ બાઈક રેલીમાં જોડાયા હતા. આ બાઈક રેલી શહેરના જુદા-જુદા રાજમાર્ગો પર ફરી, અત્રે બજાણા રોડ સ્થિત સતવારા સમાજની વાડી ખાતે પહોંચી હતી. માર્ગમાં જીતેન્દ્રભાઈ કણજારીયાનું વિવિધ જ્ઞાતિજનો, મંડળો દ્વારા સ્મૃતિચિન્હ્ન વડે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

અંતમાં સતવારા જ્ઞાતિની વાડીના વિશાળ સમિયાણામાં રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયાની રક્તતુલા કરાઈ હતી. આ સાથે આ સ્થળે રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્ત એકત્ર થયું હતું. આ આયોજનમાં રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, જામનગર – દ્વારકા જિલ્લાના લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સહિતના મહાનુભાવો, આગેવાનો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વ. મેઘજીભાઈ કણજારીયાને શ્રદ્ધાસુમન અર્પણ કરી, જીતેન્દ્રભાઈ કણઝારીયાને સન્માનિત કર્યા હતા. આ વિશિષ્ટ સન્માન બદલ જીતેન્દ્રભાઈ કણજારીયાએ મહાનુભાવોના આશીર્વાદ મેળવી, ઉપસ્થિત સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. અને આ વિસ્તારના મહત્તમ વિકાસ માટે હંમેશા સક્રિય અને જાગૃત રહેવાની ખાતરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular