ખંભાળિયાના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં શનિવારે રાત્રે એક પોલીસ કર્મચારી દ્વારા મોટરકારમાં કેફી પીણું પીધેલી હાલતમાં ડખ્ખો સર્જતા આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ સમગ્ર બનાવની વિગત મુજબ ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી એસ.ઓ.જી. કચેરી પાસેથી જીજે-37-જે-1089 નંબરની ત્રણ લાખની કિંમતની સ્વિફ્ટ મોટરકારમાં નીકળેલા અને ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા હસમુખ હીરાભાઈ પારઘી (ઉ.વ.38) નામના હેડ કોસ્ટેબલ એવા આ યુવાને જાહેરમાં દંગલ કરતા આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં તેની સામે કલમ 185 મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આટલું જ નહીં, તેની સાથે રહેલા અને અત્રે નગર ગેઈટ વિસ્તારમાં રહેતા દિપક ગીવાભાઇ નંદાણીયા (ઉ.વ.22) નામના શખ્સને પણ પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં આ સ્થળેથી ઝડપી લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. દાહોદ તરફના વતની એવા પોલીસ કર્મી હસમુખ પારઘીની થોડા સમય પૂર્વે કોઈ કારણોસર અહીં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ બનતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસ કર્મી દ્વારા કરવામાં આવેલા ડખ્ખા સંદર્ભે વિવિધ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. તેની વર્તણુંક સામે સ્થાનિક રહીશોમાં વિરોધની લાગણી જોવા મળી હતી.
ખંભાળિયા: કારમાં સવાર પોલીસ કર્મચારી દ્વારા દંગલ કરાતાં ભારે ચકચાર
લોકોના ટોળા એકત્ર થયા