ખંભાળિયા પંથકમાં જુગાર રમતા તત્વોને ઝડપી લેવા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ પીઆઈ વી.વી. વાગડીયા તથા સ્ટાફના સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન અહીંના સ્ટેશન રોડ પર આવેલી એક શાળા પાસે જાહેરમાં એક મોટરકારમાં બેસી અને મોબાઈલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરી જૂગાર રમી રહેલા દાતા ગામના હેમુભા મોકાજી કંચવા, ગાંગાભાઈ વાલાભાઈ મકવાણા, રાજેશ અરજણભાઈ ડાભી, અને લલિયા ગામના રમેશ ઊર્ફે રાહુલ ગોપાલભાઈ ધારાણી નામના કુલ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.13,100 રોકડા, સાત હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત દોઢ લાખની કિંમતની જીજે-10-એપી-6259 નંબરની મોટરકાર મળી કુલ રૂા.1,70,110 નો મુદ્દામાલ કબજે કરી જૂગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહીમાં પી.આઈ. વિશાલ વાગડિયા સાથે હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નથુભાઈ નંદાણીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, પ્રદિપસિંહ જાડેજા અને યોગરાજસિંહ ઝાલા સાથે જોડાયા હતા.
ખંભાળિયામાં મોબાઈલ ફોન મારફતે જૂગાર રમી રહેલા ચાર શખ્સો ઝબ્બે
વાહન સહિત પોણા બે લાખનો મુદ્દામાલ કબ્જે