Monday, June 17, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પંથકમાં આતંક મચાવતી તસ્કર ગેંગના નવ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

ખંભાળિયા પંથકમાં આતંક મચાવતી તસ્કર ગેંગના નવ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

ડ્રગ્સ, ચોરી, હત્યાના પ્રયાસ સહિતના નોંધાયા હતા ગંભીર ગુનાઓ : પાંચ ટીમો દ્વારા તસ્કર ગેંગને ઝડપી લેવાની દ્વારકા પોલીસને સફળતા

- Advertisement -

ખંભાળિયા તાલુકાનું સલાયા ગામ કે જે દાયકાઓ પૂર્વે દાણચોરી જેવી અસામાજિક પ્રવૃત્તિઓના કારણે કુખ્યાત બની રહ્યું હતું. આ સાથે છેલ્લા કેટલાક સમયથી અહીં ડ્રગ્સ, મારામારી ઘરફોડ ચોરી, પોલીસ સાથે ઘર્ષણ, જુગાર જેવા ગુનાઓ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ ગંભીરતાપૂર્વક કામગીરી કરી, અને કડક વલણ અખત્યાર કર્યા બાદ જુદા જુદા ગુનાઓ સાથે સંડોવાયેલા નવ શખ્સો સામે ગુજસીટોકના આકરા કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી.

- Advertisement -

રાજ્યમાં સામાજિક તત્વો દ્વારા થતા ઓર્ગેનાઈઝડ ક્રાઇમને અટકાવવા માટે સરકાર દ્વારા ગુજસીટોક (ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ)નો કાયદો છેલ્લા આશરે નવ વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આ પ્રકારના ગુનાઓ સામે એલસીબી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

ગત તા. 18 માર્ચ 2024 ના રોજ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાંથી ઝડપાયેલા જથ્થા સંદર્ભે એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયો હતો. આ ગુના સંદર્ભે હાથ ધરવામાં આવેલી ખાનગી પોલીસ તપાસ અંતર્ગત સલાયા વિસ્તારમાં લૂંટ, ખૂનની કોશિશ, મારામારી, રાયોટીંગ, ઘરફોડ ચોરી, પોલીસ સાથે ઘર્ષણ, મારામારી, દારૂ, જુગાર જેવા ગંભીર પ્રકારના આશરે 51 જેટલા ગુનાઓ ધરાવી અને અવિરત પણે છેલ્લા આશરે દસ વર્ષથી આ પ્રકારની અસામાજિક, ગુનાહિત પ્રવૃત્તિ આચરતી એક ઓર્ગેનાઈઝ સિન્ડિકેટ કાર્યરત હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. તેના મુખ્ય સૂત્રધાર તરીકે એજાજ રજાક સંઘાર અને રિઝવાન રજાક સંઘારના વડપણ હેઠળ સલાયા વિસ્તારમાં રહેતા વેપારીઓ તેમજ નગરજનોમાં આરોપીઓ દ્વારા ખૌફ ઉભો કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને આર્થિક અનુચિત લાભ મેળવતા હોવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

આમ, ઓર્ગેનાઈઝ્ડ સીન્ડિકેટના આ શખ્સો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ એક્ટ (ગુજસીટોક) હેઠળ કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આ ગુનામાં સલાયાના સંઘાર બંધુઓ રિઝવાન રજાક અને એજાજ રજાકના મુખ્ય સૂત્રધાર તરીકે રહી ચૂકેલા અન્ય મળતીયા આરોપીઓ અકરમ રજાક સંઘાર, અકબર રજાક સંઘાર, અસગર રજાક સંઘાર, શબ્બીરહુસેન ઉર્ફે ભૂરો ગુલામહુસેન સુંભણીયા, અબ્દુલ કરીમ ઉર્ફે કરીમ સલીમ કરીમ ભગાડ, જાવીદ આદમ જસરાયા અને જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ વાઘેલા નામના નવ શખ્સો સામે ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પ્રથમ વખત એન.ડી.પી.એસ. એક્ટના ગુના ઉપરથી ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સીન્ડીકેટના આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક ગુના શોધક શાખા ઉપરાંત એસ.ઓ.જી. વિભાગની પાંચ અલગ અલગ ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં સંયુક્ત કામગીરી બાદ સલાયાના આરોપીઓ અકબર રજાક સંઘાર, અસગર રજાક, શબ્બીરહુસેન ઉર્ફે ભૂરો ગુલામહુસેન, અબ્દુલ કરીમ ઉર્ફે કરીમ સલીમ, જાવીદ આદમને લાંબી જહેમત બાદ ઝડપી લેવામાં સફળતા મળી હતી. જેમાં દરિયાના રસ્તે નાસી છૂટવાનો પ્રયત્ન કરનાર આરોપીનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

આ ઉપરાંત અન્ય આરોપીઓ રિઝવાન રજાક, એજાજ રજાક, અકરમ રજાક અને જીલ ઉર્ફે જીલીયો કેતનભાઈ હાલ કોર્ટ કસ્ટડી હેઠળ હવાલે છે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મુખ્ય સૂત્રધાર આરોપીઓના પિતા રજાક ઈશાક સંઘાર વર્ષ 1993 દરમ્યાન સોમાલીયાથી ગેરકાયદેસર રીતે લઈ આવેલા આવેલી એક કાર્બાઈન ગન તથા કાર્ટીજ એવા ઘાતક હથિયારના ગુનામાં પણ પકડાયેલ હતો. તેની વિરુદ્ધ ટાડા એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

સલાયામાં રહેતા અને માછીમારી તથા વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમજ વેપારીઓને આરોપી શખ્સો દ્વારા ડરાવી-ધમકાવી, અને તેઓ પાસેથી ખંડણીની રકમ પડાવવામાં આવતી હતી. તેમ છતાં જો કોઈ ખંડણી પેટેના પૈસા ન આપે તો તેઓના વહાણ સળગાવી દેવાની કે ચોરી કરવાની ધમકી આપી તેઓ પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવવામાં આવતા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આરોપીઓ દ્વારા પોતાનું કાયમી વર્ચસ્વ ટકાવી રાખવા નિર્દોષ લોકો સાથે ઝઘડો કરી, માર મારી ઇજાઓ પહોંચાડવાની તેમજ દુકાનેથી વસ્તુઓ લઈ અને પૈસા નહીં આપવા તથા નાર્કોટિક્સને લગતા ગુનાઓ જેવી પ્રવૃત્તિઓ આચરી દાદાગીરી કરવામાં આવતી હોવાનું પણ પોલીસમાં ખુલવા પામ્યું છે. આ માટે આરોપીઓ તેઓ પાસે હથિયાર રાખી અને પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરવા ઉપરાંત પોલીસ સાથે ઘર્ષણ કરી અને પોલીસ ઉપર હુમલો કરી, મરચાની ભૂકીનો ઉપયોગ કરી લૂંટ ચલાવવા તેમજ ચોરી છુપીથી ગાંજા જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરવા જેવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોવાથી આ ચોર ગેંગનો સ્થાનિક વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં ખૌફ પ્રસરી રહ્યો હતો.

આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવા અહીંના ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સિંગરખીયા, બી.એમ. દેવમુરારી, વી.એન. સિંગરખીયા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરી, આઠ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ સાથે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular