જામનગર શહેરના વામ્બે આવાસ રોડ પર કોમલનગરના ઢાળિયા પાસેના રોડ પરથી પસાર થતા યુવાનના એકટીવાને આંતરીને ત્રણ શખ્સોએ ‘તું મારા દુશ્મનનો માણસ છો’ તેમ કહી તેનો ખાર રાખી બેલ્ટ વડે અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં આવેલા વૈશાલીનગર શેરી નં.6 માં રહેતા જયદીપ મનજીભાઈ રાઠોડ (ઉ.વ.24) નામનો યુવાન ગત તા.23 ના રાત્રિના સમયે તેના જીજે-10-સીઆર-6156 નંબરના એકટીવા પર તેની બહેનને લેવા માટે ઈન્દીરા કોલોનીમાં રહેતા મામા મોતિભાઈ પુંજાભાઇ ગોહિલના ઘરે જતો હતો તે દરમિયાન આંબેડકરબ્રીજ પાસે પહોંચ્યો ત્યારે મુન્નો વાઘેલા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ યુવાનને આંતરી લીધો હતો અને મુન્નાએ યુવાનને ‘તું મારા દુશ્મનનો માણસ છો’ તેમ કહી ખાર રાખી ઉશ્કેરાઇને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ત્યારબાદ બેલ્ટ વડે તથા ઢીકાપાટુનો માર મારી શરીરે ઈજા પહોંચાડી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણના આધારે પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે જયદીપના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.