ગુજરાત સુપર લીગ (GSL) એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે.
GSFAને ગર્વ છે કે ગુજરાતના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓએ GSLના વિચારને હૃદયપૂર્વક આવકાર્યો અને ટીમની માલિકી માટે સહેલાઈથી સંમત થયા. દરેક ટીમના માલિકે તેમની ટીમનું નામ પ્રેમપૂર્વક રાખ્યું છે. આમ, GSL ટુર્નામેન્ટમાં જે છ ટીમ ભાગ લેશે તે છેઃ અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ).
નથવાણીએ જણાવ્યું હતું કે “અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ગુજરાત સુપર લીગ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટેની નાનકડી પહેલ છે. GSLમાં હાલ છ ટીમ છે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને 12 સુધી લઇ જવાનું આયોજન ધરાવીએ છીએ.”
GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. ટ્રોફી અનાવરણ પ્રસંગ રાજ્યમાં ફૂટબોલને આગળ વધારવાની સામૂહિક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે.
આ તમામ છ ટીમ અતૂટ સમર્પણ સાથે એપ્રિલ 15, 2024થી IIT, PDEU અને GFC ના મેદાન પર તેમની કૌશલ્યને નિખારી રહી છે. દરેક પ્રેક્ટિસ સેશન ગુજરાતને ફૂટબોલની શ્રેષ્ઠતા તરફ લઈ જવાની અદમ્ય ભાવનાનો પુરાવો છે.
GSL ટુર્નામેન્ટ 1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાવાની છે. મેચના દિવસો 1લી, 2જી, 4થી, 5મી, 8મી, 10મી મે છે. ફાઇનલ 12મી મે 2024ના રોજ રમાશે. GSL મેચો આશાસ્પદ અને રોમાંચક બનવાની છે અને ફૂટબોલના ઉત્સાહીઓને કેટલીક અવિસ્મરણીય ક્ષણો પૂરી પાડશે.
દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ 12મી મે 2024ના રોજ સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રમશે.
GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે, એમ GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
GSL ટ્રોફીના અનાવરણ સાથે, હવે સંપૂર્ણ ધ્યાન ટૂર્નામેન્ટ પર કેન્દ્રીત થાય છે. ગુજરાતમાં ફૂટબોલ માટેનો ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને ફૂટબોલના કૌશલ્યને પ્રદર્શિત કરવા માટેનો મંચ હવે સંપૂર્ણ રીતે સજ્જ છે.
GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ ટ્રોફી અનાવરણની વિધિનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે GSFAના હોદ્દેદારો તથા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
GSLની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. ટિકિટ BookMyShow પરથી મળી શકશે.