Monday, November 4, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં આકરા તાપથી શહેરીજનો ત્રાહિમામ્

જામનગર શહેરમાં આકરા તાપથી શહેરીજનો ત્રાહિમામ્

જામનગરમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી : સૂર્ય નારાયણના પ્રકોપથી બપોરના સમયે માર્ગો પર કફર્યુ જેવો માહોલ : રાત્રિના સમયે મોડી સુધી હરવા ફરવાના સ્થળોએ તેમજ ઠંડી, ખાણીપીણીની દુકાનોમાં જામતી ભીડ

- Advertisement -

જામનગર શહેર સહિત રાજ્યભરમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો અકળાઇ ઉઠયા છે. ગુજરાતમાં અગનભઠ્ઠી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હિટવેવ અને ગરમ પવનને કારણે રાજ્યભરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનું પ્રમાણ વધતાં ઠંડી ખાણીપીણીની વસ્તુઓની માગ પણ વધવા પામી છે.

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી સૂર્યનારાયણના આકરા મિજાજ અને અંગ દઝાડતા તાપથી શહેરીજનો પરેશાન થાય છે. અસહ્ય ઉકળાટ અને બફારાના માહોલને કારણે લોકોની રોજિંદી કામગીરી મુશ્કેલ બની છે. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત મુજબ આજે પુરા થતાં 24 કલાક દરમિયાન જામનગરમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા તથા પવનની ગતિ 16.4 કિ.મી./કલાકની નોંધાઇ હતી. સૂર્યનારાયણના આકરા મિજાજથી શહેરીજનો અંગ દઝાડતા તાપનો અહેસાસ કરી રહ્યાં છે. તાપના પ્રકોપની સાથે ભેજનું પ્રમાણ 85 ટકા સુધી પહોંચી જતાં જનજીવન ઉકળાટ સાથે અસહ્ય બફારાનો સામનો કરી રહ્યું છે. બપોરના સમયે લોકો હવે કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. જેના પરિણામે બપોરના સમયે રાજમાર્ગો પર ચહલ-પહલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બપોરના આકરા તાપ બાદ સાંજના સમયે પવનના કારણે લોકો ગરમીમાંથી થોડી રાહત અનુભવી રહ્યા હતાં. દિવસે ગરમીને કારણે બાળકો, મહિલાઓ અને વૃધ્ધો ઘરની બહાર ઓછા નિકળે છે. પરંતુ રાતના સમયે લોકો પરિવાર સાથે હરવા-ફરવા જઇ રહ્યા છે. બીજીતરફ વેકેશનનો માહોલ હોય, લોકો બાળકો, પરિવાર સહિત બાગ-બગીચાઓ, તળાવની પાળ સહિતના સ્થળે રાત્રીના સમયે જઇ રહ્યા છે. તેમજ આઇસ્ક્રીમ, બરફના ગોલા, કોલ્ડ્રીંકસ, છાસ, લચ્છી સહિતની ચીજવસ્તુઓનો આનંદ ઉઠાવી રહ્યાં છે. રાતના સમયે આઇસ્ક્રીમની દુકાનો, બરફ ગોલાની લારીઓ-દુકાનો અને હરવા-ફરવાના સ્થળે લોકો મોડે સુધી નજરે પડે છે.

- Advertisement -

આ ઉનાળામાં દિવસે તો ઠીક પરંતુ રાત્રે પણ લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. ત્યારે સામાન્ય કરતાં એસીનો વપરાશ પણ ખૂબ વધ્યો છે. ઘરોમાં તથા ઓફિસોમાં એસી તથા કુલરો દિવસભર ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ગરમીનું પ્રમાણ વધતા ગભરામણ, છાતીનો દુ:ખાવો, ચક્કર આવવા સહિતના બનાવો વધી રહ્યાં છે. લૂ લાગવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તેમજ મજૂરો આકરા તાપથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તો બીજી તરફ પશુ પક્ષીઓની હાલત પણ દયનિય બની છે. તેમજ જામ્યુકો સહિતના પક્ષી કેન્દ્રો ખાતે પક્ષી પ્રેમીઓ દ્વારા પણ પક્ષીઓને ગરમીથી રાહત આપવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે. બીજી તરફ શેરી ગલીઓમાં પણ પશુ-પક્ષીઓ છાયડા તેમજ ભીની જગ્યાઓમાં આશરો લઇ રહ્યા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular