જામનગર શહેરમાં નદીપા વિસ્તારમાં સોમવારે સાંજના સમયે કાકા-ભત્રીજા વચ્ચે કોઇ બાબતે સામસામા કરાયેલા હુમલામાં બંને ઈજાગ્રસ્તોને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મારામારીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર હુશેની ગેઈટ પાસેના વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા અમરબીન અબ્દુલ રહેમાન મસ્કતી નામના આરબ આધેડ ઉપર સોમવારે સાંજના સમયે હુશેન અહેમદ, ઈબ્રાહિમ અહેમદ, રાહીલ અહેમદ તથા આરીફબીન અબ્દુલ રહેમાન નામના ચાર શખ્સોએ એકસંપ કરી પાઈપ વડે તથા લાકડાના ધોકા વડે અમરબીન ઉપર હુમલો કર્યો હતો તેમજ છરી મારવા જતાં આંગળીમાં ઈજા પહોંચી હતી તેમજ અન્ય શખ્સે ઢીકાપાટુનો આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આધેડ ઉપર હુમલો કરાતા અમરબીન અબ્દુલ રહેમાન મસ્કતી અને રફિક અબ્દુલ રહેમાન નામના બંને શખ્સોએ છરી વડે તેના ભત્રીજા જુનેદ અબ્બા અહેમદ મસ્કતી ઉપર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા કાકા-ભત્રીજાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફ હોસ્પિટલે અને બનાવસ્થળે દોડી ગયો હતો પોલીસે અમરબીનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલો કરી ધમકી આપ્યાનો તથા સામાપક્ષે ભત્રીજા જુનેદના નિવેદનના આધાર કાકા સહિતના બે શખ્સો સામે હુમલો કરી ધમકી આપ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.