Saturday, April 13, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવ ઉજવવા માનવ મહેરામણ ઉમટ્યો

દ્વારકામાં ઠાકોરજી સંગ ફુલડોલ ઉત્સવ ઉજવવા માનવ મહેરામણ ઉમટ્યો

ઠેર-ઠેરથી લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા દ્વારકા : વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગની સરાહનિય વ્યવસ્થા

- Advertisement -

સોમવાર તારીખ 25 માર્ચના રોજ દ્વારકાના જગત મંદિર ખાતે ફુલડોલ ઉત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા ભણી પગપાળા, ટ્રેન દ્વારા કે ખાનગી વાહનોમાં પહોંચી રહ્યા છે. દ્વારકાને જોડતા માર્ગો પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પગપાળા આવતા વ્યક્તિઓ માટે ચા, દૂધ, કોફી, નાસ્તો તથા જમવા અને રહેવા સહિતની નિ:શુલ્ક સેવા માટેના કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા હતા. પગપાળા આવી રહેલા પદયાત્રીઓના સ્વાસ્થ્યને લઈ દવાઓ તથા પગ દબાવવાના મશીનો તેમજ લોકો દ્વારા સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ સાથે દ્વારકા પોલીસ દ્વારા પણ સેવાકીય કેમ્પ બાદ સધન વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં જ્યારે ભક્તો દ્વારકા આવી રહ્યા છે, ત્યારે કૃષ્ણભક્તોને નિર્વિઘ્ને દર્શન થાય તેવા ઉમદા આશયથી તેમજ ભક્તોની સુરક્ષા માટે અહીંના પોલીસ અધિક્ષક સાથે 6 ડી.વાય.એસ.પી., 70 જેટલા પી.આઈ. તથા પી.એસ.આઈ. અને 1100 પોલીસ જવાનોનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. દિવ્યાંગો તથા અશક્ત ભક્તો માટે બે સી-ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે.

દ્વારકાધીશ મંદિરમાં ધુળેટી પર્વની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. જેને અનુલક્ષીને આગામી સોમવાર તારીખ 25 મીના રોજ પૂનમના પવિત્ર દિને દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવની અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -

આના અનુસંધાને સોમવારે શ્રીજીના દર્શનના સમયમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી પૂનમના રોજ ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં સવારે 6 વાગ્યે શ્રીજીની મંગળા આરતી બાદ બપોરે 1 વાગ્યે અનોસર (મંદિર બંધ) રહેશે. બપોરે 2 વાગ્યે ઉત્સવ આરતી તેમજ 2 થી 3 દરમિયાન ઉત્સવના દર્શન ભક્તો કરી શકશે. બપોરે 3 થી 5 દરમિયાન મંદિર બંધ રહેશે અને સાંજે નિત્ય ક્રમ મુજબ દર્શન થઈ શકશે. આ તમામ વ્યવસ્થાઓ માટે પોલીસ પ્રશાસન સાથે મંદિર સમિતિ દ્વારા પણ તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા છે. આજથી અહીં આવતા કૃષ્ણ ભક્તોની સંખ્યામાં પણ ત્રણ દિવસ ઉતરોતર વધારો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular